સુરત : લાજપોર જેલમાં કેદ આરોપીએ બહાર આવી પોતાના જ મિત્રને માર માર્યો હોવાનો બનાવ સુરતમાં બન્યો છે. જેલમાં મને મળવા કેમ ન આવ્યો કહીને આરોપીએ તેના મિત્રને માર મારી 2 લાખ રૂપિયાની માંગણી કહી હતી. આ મામલે પોલીસે આરોપી સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે.
જેલમાં કેદ હતો આરોપી : આ બનાવ અંગે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉધના પ્રભુનગર વિસ્તારમાં પપ્પુ બાટે રહે છે. તેની બાજુમાં રહેતા પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે તેના પડોશી અને મિત્રો પણ છે. જેમાં પ્રદીપ યાદવ અગાઉ લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. થોડા સમય પહેલા આરોપી છૂટીને ઘરે આવ્યો હતો.
મિત્ર સાથે કરી તકરાર : આ દરમિયાન પ્રદીપ યાદવે પપ્પુ બાટેને કહ્યું કે, તું મને લાજપોર જેલમાં મળવા કેમ ના આવ્યો, આમ કહીને તકરાર કરી હતી. બાદમાં તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આટલા દિવસ રહેવાનો ખર્ચ થયો અને મિત્ર તરીકે ત્યાં આવ્યો નથી આ પ્રકારની વાતો કરીને ઝઘડો કર્યો હતો. બાદમાં હું એકાદ કલાકમાં પાછો આવું છું તેમ કરીને આરોપી જતો રહ્યો હતો.
માર મારી 2 લાખની માંગણી કરી : આ બનાવ ગતરોજ સાંજે 5 વાગ્યે બન્યો હતો. ત્યારબાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ પ્રદીપ યાદવ, યોગેન્દ્ર દુબે, ચંદન યાદવ, દીનદયાળ શાહી અને તેનો ડ્રાઈવર અને રવી નામનો ઇસમ એમ 6 જેટલા વ્યક્તિઓ ત્યાં આવ્યા અને ફરિયાદી સાથે દાદાગીરી કરીને માર માર્યો હતો. ઉપરાંત 2 લાખની માંગણી કરી હતી. આ બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો.
ત્રણ આરોપીની ધરપકડ : ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આ મામલે વિગતવાર ફરિયાદ લઈને પ્રદીપ યાદવ, ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબેની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે બાકીના આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પૈકી એક વ્યક્તિ પાસે સ્કોર્પિયો છે, તેણે પ્રેસ મીડિયાનું બોર્ડ મારેલું હતું. તે અંગે અમે તપાસ કરી રહ્યા છે કે તે કોઈ મીડિયા કર્મી છે કે કેમ.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ : પ્રદીપ યાદવે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ફરિયાદીને ફરિયાદ કરવા માટે ધાક ધમકી આપવા બાબતે ગુનો આચર્યો હતો. તે ગુના હેઠળ તે જેલમાં હતો.