સુરત: દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરવા સ્મગલર્સે અપનાવેલી નવી મોડસ ઓપરન્ડીનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પર્દાફાશ કર્યો છે. ગોલ્ડની કેમિકલ મિશ્રિત પેસ્ટ ટ્રાવેલિંગ બેગમાં અલાયદા બનાવેલા લેયરની આડમાં દુબઈથી સુરત ફ્લાઈટમાં આવનારા માંગરોળના મોસાલીના સાલેહ દંપત્તિ સહિત જહાંગીરપુરા પાસે ગોલ્ડ પેસ્ટ સાથેની ચાર બેગ લેવા આવેલા મૌલવી સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમની પાસેથી રુ 64.84 લાખનું 929 ગ્રામ રાખ મિશ્રિત ગોલ્ડ, મોબાઈલ, કાર વગેરે મળીને કુલ રૂ. 76.14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આરોપી લોકોને દુબઇ મોકલીને સોનું મંગાવતો હતો: મળતી માહિતી મુજબ, શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના PI અશોક ચૌધરીને બાતમી મળી હતી કે, અબ્દુલ સમદ બેમાત નામનો યુવક દુબઈમાં પોતાના લોકોને મોકલીને ટ્રાવેલિંગ બેગમાં સોનું સંતાડી ભારતમાં ઘૂસાડી રહ્યો છે. અબ્દુલે માંગરોળના દંપત્તિને દુબઈ મોકલી બેગની આડમાં સોનું મંગાવ્યું હોવાની અને તેઓ શનિવારે મોડી રાત્રે દુબઇથી સુરત ફ્લાઈટમાં આવવાના હોવાની ઉપરાંત જહાંગીરપુરા પાસે શિવમ હોટલ પાસે બેગની ડિલિવરી કરવાના હોવાની બાતમી મળી હતી.
SOGએ 4 આરોપીઓની કરી ધરપકડ: SOGએ હોટલ પાસે વોચ ગોઠવીને અર્ટિગા કારમાં બે લોકો અને મારૂતિ ટૂર્સ ટેક્સી ગાડીમાંથી ઉતરેલા દંપત્તિને રંગેહાથે ઝડપી પાડયા છે. પોલીસે દુબઈથી સોનું લઈને આવેલા કેરિયર નઇમ મો.હનીફ સાલેહ અને તેની પત્ની ઉમૈમાને અર્ટિગા કારમાં સોનું છૂપાવેલી 4 ટ્રાવેલિંગ બેગ લેવા આવનાર અબ્દુલ ફારૂક બેમાત અને તેના સાથી ફિરોજ ઇબ્રાહીમ નૂરની ધરપકડ કરી હતી. SOGની ટીમે તેઓ પાસેથી ચારેય ટ્રાવેલ બેગ કબજે લઇ તપાસ કરી હતી.
દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી: બેગમાં રેક્ઝીન તથા નીચેના પ્લાસ્ટિકના વચ્ચેના ભાગેથી રબ્બર જેવું લેયર મળી આવ્યું હતુ. ગોલ્ડનું પેસ્ટ બનાવી કેમિકલ મિશ્રિત આ ગોલ્ડને લિક્વિડ ફોર્મમા રેક્ઝીન તથા રબરની શટ વચ્ચે સ્પ્રે કરી નવું લેયર (પડ) બનાવાયું હતું. ચારેય બેગમાં આ રીતે સંતાડેલું સોનું મળી આવ્યું હતું. પોલીસે સોની પાસે ચકાસણી કરાવતા 927 ગ્રામ વજનનો સોનાનો પાવડર કિંમત રૂ.64.89 લાખ, અર્ટિગા કાર, 5 મોબાઇલ વગેરે મળી કુલ રૂ 76.14 લાખનો મુદ્દામાલ કબજે લઈ જહાંગીરપુરા પોલીસમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને પોલીસે આરોપીના પાસપોર્ટ પણ કબજે કર્યા હતા.