સુરત: દેશભરમાં આંતક મચાવનાર અને વેપારીઓ પાસેથી ખંડણી માંગનાર લોરેન્સ તેમજ રોહિત ગોદારાની ગેંગના 4 શકમંદ ઇસમોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. આ ઈસમો રાજસ્થાનના કુચામન સિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલા હતા.
લોરેન્સ ગેંગના સાગરીતો ઝડપાયા
સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાની ગેંગે આંતક મચાવ્યો છે. કોઈપણની ગોળી ધરબી હત્યા કરી દેવી આ ગેંગ માટે એક સામાન્ય વાત બની છે. ત્યારે મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજસ્થાનમાં ડીડવાના જિલ્લામાં કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા તેમજ વિરેન્દ્રસિંહ ચારણ મારફતે અલગ અલગ વેપારીઓ 27 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન ખંડણી માટે ધમકી આપવામાં આવી હતી. અલગ અલગ વિદેશી નંબરોથી વોટસએપ કોલ અને વોટસએપ વોઇસ મેસેજ દ્વારા 'લોરેન્સ-ગોદારા ગેંગના માણસો બોલીએ છીએ અને અમને 2 કરોડની ખંડણી નહિ આપો તો તમારા વેપારના સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગો અને આવવા-જવાના રસ્તાઓની રેકી કરી રાખેલી છે, ખંડણી નહીં આપો તો તમામને જાનથી મારી નાખીશું' જેવી ધમકીઓ આપી હતી.
બાતમીના આધારે પકડ્યા આરોપી
જે બાબતે કુચામન સિટી પોલીસ સ્ટેશનમાં રોહિત ગોદારા અને વિરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુચામન સિટી પોલીસની તપાસ દરમિયાન કુચામન સિટીમાં રહેતા સફીકખાન હાકમ અલીખાન કયામખની તથા સરફરાજ ઉર્ફે વિક્કીખાન અજીજખાન કયામખનીએ લોરેન્સ-રોહિત ગોદારા ગેંગને વેપારીઓની રેકી કરી તેમના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને તેઓના ઘરોમાં આયોજન થનાર તમામ પ્રસંગો તથા પરિવારની વ્યક્તિગત માહિતીઓ પૂરી પાડી હતી. સફીકખાન અને સરફરાજખાન ઉર્ફે વિક્કીખાન રાજસ્થાનના કુચામન સિટીથી એક ફોર વ્હીલ કારમાં પોતાના સાગરીતો સાથે મુંબઈ તરફ ભાગેલો છે એવી માહિતી કુચામન સિટી પોલીસ તરફથી મળી હતી.
100થી વધુ વાહનોનું ચેકિંગ કરી પકડ્યા આરોપી
ત્યારે આ ગેંગને ઝડપવા માટે સુરત જિલ્લા પોલીસ સતર્ક થઈ હતી. લોરેન્સ બિશ્નોઈ અને ગોધારા ગેંગના કુખ્યાત શખ્સોને પકડવા માટે ટોલનાકા અને હાઈવે પર ચાંપતો નજાર રાખવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય પોલીસના 100 જવાને 5 કલાકમાં 100થી વધુ વાહનોનું ચેકિંગ કર્યું હતું. આ સમયે એક કાળી કાર પસાર થતી વખતે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી શફિક સહિત ચાર કુખ્યાત આરોપી મળી આવ્યા હતા. સુરત પોલીસે રાજસ્થાન પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા શફિક સહિત ચારેયની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: