ઊંઝા: કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા મહેસાણાના ઊંઝામાં પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય તેમજ ઊંઝા APMC ના પૂર્વ ચેરમેન નારાયણ કાકાનો 87માં જન્મ દિવસના ઉજવણી પ્રસંગે, નારાયણભાઈ પટેલના પરિવાર દ્વારા જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન ઊંઝાના કેવળેશ્વર મહાદેવ ખાતે કરાયું હતું. જેમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઊંઝા સહિત મહેસાણા જિલ્લાના તમામ સહકારી રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આગામી સમયમાં ઊંઝા APMC ચુંટણી પહેલા શક્તિ પ્રદર્શન હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.
APMC ચેરમેન દિનેશ પટેલની ગેરહાજરી: ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના 87 માં જન્મોત્સવ અને તેમાં ઉપસ્થિત મોટા મોટા નેતાઓ પણ નારાયણ કાકાના જન્મ દિવસમાં ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલની ગેરહાજરી જોવા મળી હતી. ઊંઝા એપીએમસીની ચુંટણી ટુંક સમયમાં જ યોજાનાર છે. એટલે કે એશિયામાં આગવી ઓળખ ધરાવતી ઊંઝા એપીએમસીની ચુંટણી પહેલા આ કાર્યક્રમ નારાયણ કાકાનું શક્તિ પ્રદર્શન હોવાની ચર્ચા ચાલી રહી હતી. જેમાં સ્વાભાવિક રીતે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલની જન્મોત્સવ કાર્યક્રમમાં સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જન્મ દિવસની પત્રિકામાં પણ દિનેશ પટેલનું નામ છપાયું નહોતું. જો કે દિનેશ પટેલને આમંત્રિત કર્યા કે નહિ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન: કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન હતું કે, કાકાને અહીંયા કોઈએ વૃદ્ધ તો કીધા જ નથી. કાકા તો 87 નહિ પણ 27 વર્ષના જ છે . આજે પણ કાકા કાર્યકરોને સલાહ આપે છે એ કાર્યરત છે. 1990 માં અમે બંને જિલ્લા ભાજપ પ્રમુખ હતા. એ સમયે જિલ્લા ભાજપ પ્રમુખને અત્યાર જેવી સગવડો નહોતી મળતી. કાકાની સતત ચુંટણીઓમાં જીત થતી હતી. 1985 માં આપણે 11 જ હતા. 1990 માં સંખ્યા વધી, 11 માંથી આપણી યાત્રા 156 સુધી પહોંચી હતી. તેમાંથી એક મજબૂત પીલ્લર આપણા નારાયણ કાકા છે. સમગ્ર દેશમાં જ્યારે બે જ ભાજપની સીટ હતી. તેમાંથી એક મહેસાણાની હતી. ડો. એ કે પટેલ તે સમયે પણ જીત્યા હતા. ભાજપનો વાવટો ઉભો રાખવાનું કામ મહેસાણા એ કરેલું છે. ઉત્તર ગુજરાતમાં ચાલતી પાણીની કેનાલો તમારી પ્રગતિ સાથે જોડાયેલી છે. અગાઉના સમયમાં માર્કેટિંગ યાર્ડમાં ધૂળની ડમરીઓ જોડતી હતી. ભાજપના શાસનમાં આ સ્થિતિ બદલાઈ છે. વરિષ્ઠ નેતાઓએ જે પરસેવો પાડ્યો છે તેના લીધે આજે આ ફળ મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે 2001માં સીએમ બન્યા. ત્યારે તેમણે તરત પહેલું કામ નર્મદાનું પાણી સાબરમતીમાં છોડવાનું કામ કર્યું હતું. 8 લાખ મંડળીઓ આપણા દેશમાં છે, સહકારી ક્ષેત્રે 30 કરોડ લોકો જોડાયેલા છે. ભારત સરકારમાં સહકાર વિભાગ જ નહોતો. નરેન્દ્ર મોદી આવ્યા અને સહકાર વિભાગ બનાવ્યો. હવે મંડળીમાં માત્ર એક જ કામ નહીં રહે. સહકારી મંડળીઓને ગ્રામીણ અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ બનાવવાનું છે. સહકારી મંડળીઓમાં વિવિધ લાઇસન્સ આપવાની કામગીરી પણ થશે. સમગ્ર વિશ્વમાં નેનો યુરીયા બનાવવાનું શ્રેય ભારતને મળે છે. આજે અમેરિકાને નેનો યુરિયા લેવા માટે ભારત પાસે લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે ચૂંટણી નથી એટલે તમને કહું છું કે આગામી દિવસોમાં આપણી દીકરીઓ ડ્રોન દીદી ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોનથી ખેતરમાં કામ કરતી હશે.
કાર્યક્રમમાં નારાયણ કાકાનું નિવેદન: કાર્યક્રમમાં નારાયણ કાકાનું નિવેદન હતું કે, હું દિલ્હી રહેતો હતો, તે સમયે પહેલા જનસંઘમાં કોઈ નામ જાણતું નહોતું. કાર્યકર્તાઓનેં વર્ષમાં 2 વખત જમાડતો. સહકારી ક્ષેત્રમાં પ્રમાણિકતાથી વિકાસ કર્યો. મારા નેતૃત્વ સમયે કોઈએ આંગળી કરી નથી. મારા નેતૃત્વમાં ઊંઝા apmc માં થયેલ કામમાં કાંકરી પણ ઉખડી નથી. મારા પિતાના સંસ્કાર હતા કોઈને પણ પકડીને લાવે અને ઘરે જમાડે. એ સંસ્કાર મુજબ આજે પણ હું મારા કાર્યકર્તાઓને જમાડું છું. 14 વર્ષ APMC માં ચેરમેન તરીકે કામ કર્યું પણ કોઈએ મારી પર આક્ષેપ કર્યો નથી.