જૂનાગઢ: સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડાની દહેશતને કારણે પ્રવાસીઓ અને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ગત 18મી મેના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને પત્ર દ્વારા જાણ કરીને સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાના આટા ફેરા વધી રહ્યા છે તેને કારણે દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ ને લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે કામગીરી શરૂ કરી હતી જેમાં આજે 9મા દિવસે દીપડાને પાંજરે પુરવા વન વિભાગને સફળતા મળી છે.
8 દિવસની મહેનત બાદ દિપડો પકડાયો: અંતે 8 દિવસની ભારે જહમત અને મહેનત બાદ સોમનાથ મંદિર નજીકથી દીપડાને પકડી પાડવા વન વિભાગને સફળતા મળી છે સાથે સાથે સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને સોમનાથ મંદિર ટ્રસ્ટ સ્વચ્છ બનાવે તો દિપડાનું રહેઠાણ કાયમી ધોરણે દૂર થઈ શકે છે તેવી વિનંતી સોમનાથ ટ્રસ્ટને વન વિભાગે કરી છે.
દિપડો વન વિભાગને આપતો હતો હાથતાળી: 8 દિવસથી સોમનાથ મંદિરના પાછળના ભાગમાં દીપડો દેખાતા વનવિભાગે 5 જેટલા પાંજરા મૂકીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાછલા 8 દિવસથી દીપડો હાથ તાળી આપીને ફરાર થઈ જતો હતો આજે 9મા દિવસે દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.જેથી સોમનાથ મંદિરે દર્શને આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગની સોમનાથ ટ્રસ્ટને વિનંતી: દીપડાને પાંજરે પુર્યા બાદ ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.ડી પંપાણીયાએ સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરી છે કે, સોમનાથ મંદિરની જગ્યામાં જે બાવળોનું જંગલ ઊભું થયું છે તેને તાકીદે સાફ કરવામાં આવે તો દીપડાનું કુદરતી રહેઠાણ કાયમી ધોરણે દૂર થઈ જઈ શકે તેમ છે. જેને કારણે આ વિસ્તારમાં દિપડાના આંટાફેરાની શક્યતાઓ નહીંવત થઈ શકે. જેથી સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત બની શકે. સાથે સાથે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો પણ હાશકારો અનુભવી શકે તેવી વિનંતી સોમનાથ વન વિભાગ દ્વારા સોમનાથ મંદિરની ટ્રસ્ટને કરવામાં આવી છે.