અમદાવાદ/નડિયાદ : શહેરના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ થયાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વર-કન્યા સહિત 45 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્ન બાદ જાન પરત ફરી રહી હતી. ત્યારે તમામને પેટમાં દુખાવો શરૂ થતા સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનીંગની અસર થતા સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
રાજપીપળાથી આવી જાન : આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાના હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જ્યાં જમણવારમાં વેલકમ ડ્રીંક સાથે દૂધની બનાવટ, જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું હતું. જ્યારે મોડી રાત્રે જાન વિદાય થઈ હતી.
જાનૈયાઓની તબિયત લથડી : આ જાન જ્યારે નડિયાદ નજીક પહોંચી ત્યારે 40થી 45 જાનૈયાઓને અચાનક જ ઉલટી થવા લાગી હતી. જેને પગલે તેમને તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનીંગની અસરના કારણે તમામ જાનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા. એક કલાક પછી ઝાડા અને ઉલટી થવાની ચાલુ રહી હતી.
નડિયાદ હોસ્પિટલમાં સારવાર : હાલ નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા શિવમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઈને આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં અમે ભોજન કર્યું તેના એક કલાક પછી ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. આથી ફૂડ પોઇઝનિંગ થયાનું જણાતાં હોસ્પિટલ ગયા હતા. બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. રાત્રે અમે 1 વાગ્યે દાખલ થયા હતા.
શું હતું જમણવારનું મેન્યુ ? શિવમ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજપીપળાથી અમે એક લક્ઝરી બસ અને 5 ફોર વ્હીલમાં જાન લઈને નિકોલ આવ્યા હતા. ભોજનના સ્ટાર્ટરમાં સૂપ હતું. પછી સલાડ, ગાજરનો હલવો, દાલ ફ્રાય-જીરા રાઈસ, રોટલી, પનીર અને અન્ય એક શાક હતું. ઉપરાંત છેલ્લે છાશ હતી. વેલકમ ડ્રિંકમાં પાઇનેપલનો મિલ્ક શેક હતો. એના લીધે આવું થયું હોય તેવું લાગે છે.