સુરત: જિલ્લાના મલ્હોત્રા પરિવારના 5 બાળકો ટેકવેન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ-રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અનેકવિધ સિદ્ધિઓ મેળવી પરિવાર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. પરિવારની 2 દીકરી અને 3 દીકરા ટેકવેન્ડોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. મલ્હોત્રા પરિવારના 2 ભાઈઓ અમનભાઈ અને આશિષભાઈના 5 સંતાનો જેમાં અમનભાઈના કુશલ, દર્શ, અને કામ્યા તેમજ આશિષભાઈના સંતાનો તન્મય, સ્તુતિ ટેકવાન્ડોની રમત માટે સખત મહેનત કરી દેશ-રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ખાસ કરીને 18 વર્ષીય દીકરી કામ્યા મલ્હોત્રાએ ટેકવેન્ડો સ્પર્ધામાં 13 જેટલા ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે. તેને સ્પોર્ટ્સ તાલીમ માટે દર મહિને રાજ્ય સરકારની રૂ.4500 સહાય મળી રહી છે.
મૂળ પરિવાર નવી દિલ્હીનો અને સુરતમાં સ્થાયી: મૂળ નવી દિલ્હીના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલ મલ્હોત્રા પરિવાર પાર્લે પોઈન્ટ સ્થિત ગોકુલ રોહાઉસ ખાતે રહે છે. પરિવારના અમનભાઈ મલ્હોત્રા ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી કામ્યાએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. કામ્યા સુરતની સ્કેટ કોલેજમાં બીસીએ(બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) ના પ્રથમ વર્ષમાં અભ્યાસની સાથે છેલ્લા 10 વર્ષથી ટેકવેન્ડો રમી રહી છે. જેણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 5 સિલ્વર, 2 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલો પ્રાપ્ત કરી આ સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડ્યા છે.
કામ્યાએ 5 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા: કામ્યાએ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ મેળવ્યા છે, જ્યારે ખેલ-મહાકુંભમાં 4 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. નેશનલ સ્કુલ ગેમ્સમાં 1 ગોલ્ડ, 40 મી જુનિયર નેશનલ 1 સિલ્વર, આઈટી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ફાઈનલમાં 1 ગોલ્ડ, આઈટી જુનિયર નેશનલ 1 ગોલ્ડ, ઈન્ડિયન ટેકવાન્ડો (IT) ઓપન નેશનલ 1 ગોલ્ડ, 65મી SGFI નેશનલ 1 સિલ્વર, ત્રીજી માઉન્ટ એવરેસ્ટ ઈન્ટરનેશનલ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ સહિત 13 ગોલ્ડ, 5 સિલ્વર, ૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવાની ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.
રાજ્ય સરકાર દ્વારા રુ. 4500ની સહાય: કામ્યા મલ્હોત્રાએ પોતાની સંઘર્ષગાથા વિશે જણાવ્યું કે, હું 6 વર્ષની વયથી ટેકવેન્ડો રમું છું. રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી મારી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમીમાં ચાલી રહી છે. દર મહિને રાજ્ય સરકાર તરફથી તાલીમ માટે મને રૂ.4500ની સહાય મળી રહી છે. જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે. માતા-પિતાએ મારી કારર્કિદીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી. તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ મેં ટેકવાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી. સેલ્ફ-ડિફેન્સ માટે માતા-પિતાએ મને 6 વર્ષની નાની ઉંમરે ટેકવાન્ડોની રમતમાં ભાગ લેવામાં માટે પ્રેરિત કરી હતી. શાળાના કોચે તાલીમ દરમિયાન મારી સુષુપ્ત પ્રતિભાને પિછાણીને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો: કામ્યાએ જણાવ્યું કે, સૌપ્રથમ જિલ્લાક્ષેત્રની સ્પર્ધામાં મને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ વર્ષ 2013 પૂણે(મહારાષ્ટ્ર) અને વર્ષ ૨૦૧૯માં ચેન્નાઈ(તમિલનાડુ) માં નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો જેમાં સફળતા ન મળતા નાસીપાસ થઈ પણ શીખ મળી કે મારે હજુ વધુ મહેનતની જરૂર છે. ત્યારબાદ એ જ વર્ષમાં રાજસ્થાનમાં યોજાયેલી નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, જે મારા જીવનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો, મારો ઉત્સાહ બેવડાતા સતત ત્રણ વર્ષ તાલીમ લઈ નાસિક ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ટેકવેન્ડો મેડલિસ્ટની 6 કલાક પ્રેક્ટીસ: ખેલ જગતમાં નામ કમાઈ રહેલી સુરતની ટેકવેન્ડો ગોલ્ડ મેડાલિસ્ટ કામ્યા અભ્યાસની સાથે સાથે દિવસના 6 કલાક ટેકવેન્ડોની પ્રેક્ટિસ પણ કરે છે. તે રસોઈમાં પણ પાવરધી છે. સ્પોર્ટ્સમાં પુરતું ધ્યાન આપી શકાય એ માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે છે. હોટેલ અને રેસ્ટોરાના ફાસ્ટફૂડ-જંકફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન જમે છે. કામ્યા કહે છે કે, સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ અનેક યોજનાઓ અને નીતિઓના કારણે ખેલજગતના સેંકડો ઉભરતા બાળકો-યુવાનોને નવી દિશા મળી છે એમ જણાવી વધુમાં કામ્યાએ ઉમેર્યું કે, જીવનમાં એવા દિવસો પણ આવ્યા કે સતત તાલીમ કરવા છતાં વર્ષ 2013 થી 2018 મને એક પણ નેશનલ લેવલનો મેડલ પ્રાપ્ત થયો ન હતો. જેથી હું હતાશ થઈ ગઈ હતી. એવા સમયે પરિવાર અને કોચે મને આશ્વાસન આપી હિંમત વધારી હતી.
કામ્યાએ પરિવારનું નામ રોશન કર્યું: અવિરત પ્રેક્ટિસના કારણે 3 વર્ષ બાદ નેશનલ ટુર્નામેન્ટમાં વધુ એક ગોલ્ડ જીતી શકી હતી અને વર્ષ 2022માં ત્રીજી માઉન્ટ એવરેસ્ટ ઈન્ટરનેશનલ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. મારી કારકિર્દી માટે આ ઉજવવળ તક મળતાં મારી એકેડમીના કોચ તથા મારી સાથે તાલીમ લેતા સાથીમિત્રોના પરિવારજનો મારી વ્હારે આવ્યા હતા. જેથી ફંડીગની સુવિધા થકી હું એશિયન ચેમ્પિયનશિપ રમવા ગઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિત્વ કરી નેશનલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી લઈને હું સતત વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી રહી છું. કામ્યાના પિતા અમન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના દરેક સભ્યો કોઈને કોઈ રમતો સાથે જોડાયેલા છે. હું પોતે કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન રહ્યો છું. જેથી પરિવારના પાંચ બાળકોને રમતગમતમાં કારકિર્દી માટે પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યો છું. પરિવારના પાંચે બાળકોએ ટેકવેન્ડોની રમતમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,જેમાં કામ્યાએ સૌથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી પરિવાર અને દેશનું નામ વધાર્યું છે.
ટેકવેન્ડો ગેમ શું છે?: માર્શલઆર્ટ પ્રકારની ટેકવેન્ડો રમત મૂળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે. જેનો વર્ષ 2000 થી બિજિંગ ઓલિમ્પીકથી ઓલિમ્પીક ગેમ્સમાં સમાવેશ કરાયો છે. હાથ અને પગની મદદથી રમાતી આ રમતમાં 2 સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મોં પર હાથ અને પગ મારવાથી પોઈન્ટ મળે છે. જેમાં મોં પર કિક કે હાથ વાગતા 3 પોઈન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા ૨ પોઈન્ટ મળે છે.