અમદાવાદ: અમદાવાદ આજે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું. ૧૩૦૦ વર્ષ જૂની પરંપરાને પડકાર આપી પ્રથમ વખત ભારતીય સમાજમાં પરિવર્તન લાવવા અમદાવાદના સાયન્સ સિટી ખાતે પહેલીવાર SC-ST સંતની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂંકનો કાર્યક્રમ 'પટ્ટાભિષેકમ' યોજવામાં આવ્યો.
![અમદાવાદમાં 'પટ્ટાભિષેકમ' યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-04-2024/21354988_a.jpg)
ભાવનગરના બે, રાજકોટ તથા સુરેન્દ્રનગરના એક-એક એમ ચારેય સંતો પર જળ, દૂધ, પંચામૃત, મધ વગેરેનો અભિષેક કરવામાં આવ્યો હતો. પૂજાવિધિ, મંત્રોચ્ચાર અને અભિષેક કરી મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકોના દૃષ્ટિકોણ તેમજ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે મહંત શ્રી રવિન્દ્રપુરી મહારાજજીની આગેવાની હેઠળ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા ૧૩૦૦ વર્ષ જૂની પરંપરાને પડકાર આપીને અનોખી પહેલ કરવામાં આવી.
આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધોને દૂર કરવા અને સમાનતાને પ્રોત્સાહન આપવા અને મંદિરોને અગાઉના પ્રાચીન કાળના નાલંદા, તક્ષશિલા, કાશી અને હરિદ્વાર જેવા શિક્ષણ કેન્દ્રો જે તેમના મંદિરો અને શિક્ષણ માટે પ્રખ્યાત હતા તેમની માફક વિકસાવવાનો છે. રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર રાજેશ શુક્લા અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભારતીય સમાજમાં સમાનતા તરફની ઐતિહાસિક પહેલ કરવામાં આવી હતી. જેથી ભારતીય સમાજને સમાનતા અને સામાજિક ન્યાય તરફની દિશામાં આગળ લઈ જવા તેમજ સશક્ત ભવિષ્ય માટે માર્ગ મોકળો બનાવી શકાય. ભારતીય બંધારણના સિદ્ધાંતો પર આધારિત, આ પ્રોજેક્ટ જાતિ-આધારિત અસમાનતાને દૂર કરીને, સાચા અર્થમાં સમાનતાવાદી સમાજના બંધારણીય વચનને સાકાર કરવાનો ભાગરૂપે યોજવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો હેતુ SC/ST સમુદાયોને મુખ્ય પ્રવાહના સમાજમાં એકીકૃત કરીને સશક્તિકરણ કરવાનો છે. તેમજ ભેદભાવને નાબૂદ કરી સદીઓથી ચાલતા શોષણ અને વિભાજનનો અંત લાવવાનો છે.
ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અખિલ અને જનરલ સેક્રેટરી અખિલ ભારતીય અખાડા પરિષદ મહંત હરિગીરીજી મહારાજ અને જુના અખાડા આંતરરાષ્ટ્રીય વાલી દ્વારા પટ્ટાભિષેક કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સમગ્ર ભારતમાંથી સનાતન સમર્થકો અને પ્રગતિશીલ વ્યક્તિઓએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ બાદ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ સહિતના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરશે.
'ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની પહેલ તરીકે “સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ” અંતર્ગત વર્ષો જૂની પરંપરાઓમાં બદલાવ લાવવા માટેનું મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. 1300 વર્ષ જૂની પરંપરાઓ સમાપ્ત કરીને નવી પરંપરા શરૂ કરીએ છીએ. દરેક સંત-મહંતનો સાથસહકાર મળ્યો. આ મુશ્કેલ કામ હતું, પરંતુ ખૂબ જ સરળતાથી થઈ ગયું છે. - રાજેશ શુક્લા,રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર