રાજકોટ : ગુજરાતભરમાં ચકચાર મચાવનાર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને આજે 25 જૂને એક મહિનો પૂર્ણ થાય છે. આ દુખદ ઘટનાની પ્રથમ માસિક પૂર્ણતિથી નિમિતે અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજકોટ બંધની અપીલ કરવામાં આવી છે.
અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. જે ઘટના આજે એક માસ પૂર્ણ થયું છે, જેને લઇ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે સોમવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ મનીષભાઈ દોશી સહિતના કોંગી અગ્રણીઓ આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા.
સરકાર પર આકરા પ્રહાર : શક્તિસિંહ ગોહિલે સત્તાધારી પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ફક્ત નાની-નાની માછલીઓને જ પકડવામાં આવે છે, મોટા મગરમચ્છને સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો SIT રચના પણ ફક્ત એક નાટક છે, તેમાં પણ ભ્રષ્ટ અધિકારીઓનો સમાવેશ છે. અત્યાર સુધી જેટલા પણ આવા મોટા કાંડ થયા છે તેમાં હજુ સુધી કોઈને સજા મળી નથી. આમ ઘણી બાબતોને લઇ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
બંધમાં જોડાવા જનતા જોગ અપીલ : આ ઉપરાંત લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ સરકાર પર પ્રહાર કર્યા હતા. આવતીકાલે બંધમાં જોડાવા માટે વેપારી સંગઠનોએ સમર્થન આપ્યું છે, કોંગ્રેસ પક્ષે તેમનો આભાર પણ માન્યો હતો. આ સાથે લોકોને અપીલ પણ કરી હતી કે, અડધા દિવસના બંધમાં તમામ લોકો જોડાય અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપે. આ સાથે જ મૃતકોના પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરી હતી.