જૂનાગઢ : રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્યની અદાલત પણ રાજ્ય સરકાર પર આકરા પાણીએ જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાને જાહેર સ્થળ અને ઈમારતોમાં ફાયર સેફ્ટી તપાસના આદેશ આપ્યો છે. જૂનાગઢમાં સુરતના તક્ષશિલા કાંડ બાદ પણ આવી જ સીલીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સીલ કરેલા મોટાભાગના બાંધકામ આજે ફરી એક વખત જેમના તેમ ધમધમી રહ્યા છે.
ફાયર સેફ્ટી તપાસના આદેશ : રાજ્ય સરકારના આદેશ બાદ તમામ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે ફાયર NOC અને BU પ્રમાણપત્રને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. જે જગ્યા પર ફાયર NOC અને BU પ્રમાણપત્ર નથી તેવી તમામ જગ્યા અને ઈમારતોને સીલ મારવાની દિશામાં કોર્પોરેશન કામ કરી રહી છે.
જૂનાગઢ મનપાની કામગીરી : સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મનપા દ્વારા ફાયર સેફ્ટી તપાસની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના બન્યાને બે વર્ષ કરતાં વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં જૂનાગઢ કોર્પોરેશનના વિસ્તારમાં જે તે સમયની સ્થિતિએ આજે અનેક બાંધકામ મોતના ખતરા સમાન ઝળુંબી રહ્યા છે.
ભૂતકાળ વાગોળવો જરૂરી : સુરતના તક્ષશિલા આગકાંડ બાદ પણ રાજ્યની અદાલત અને રાજ્ય સરકારે તમામ નગરો અને મહાનગરોમાં સંભવિત આગની ઘટનાને લઈને કામગીરી કરી હતી. જેમાં ફાયર NOC અને BU પ્રમાણપત્ર ન ધરાવતા તમામ એકમોને સીલ કરવાની સૂચના આપી હતી. જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી બાંધકામ, કોમ્પ્લેક્સ, વાણિજ્ય જગ્યાઓ અને હોસ્પિટલોની સાથે અનેક શાળાઓને પણ સીલ કરવામાં આવી હતી.
તંત્રની કામગીરી પર સવાલ : પરંતુ મામલો ધીમે ધીમે શાંત થયો અને ત્યારબાદ આ તમામ બાંધકામ કે જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, શાળાઓ, ખાનગી અને વ્યાપારિક એકમ, રહેણાંક અને અન્ય બાંધકામ ફરી એક વખત ધમધમતા થયા હતા. આ તમામમાં ફાયર NOC અને BU પ્રમાણપત્ર ન હોવાથી કાર્યવાહી થઈ હતી. આજે જે તે સમયના મોટાભાગના બાંધકામ તે વખતની પૂર્વ સ્થિતિએ જોવા મળી રહ્યા છે.