જામનગર: જામનગરમાં સેક્સન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન મોદી સ્કૂલના પાછળના ભાગમાં સવારના 09:45 કલાકે ઇલેક્ટ્રીક બોર્ડની પેનલમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ લાગી હતી. આગ લાગવાથી શાળામાં દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ફાયર વિભાગની ટીમે શાળામાં આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા માટે શાળામાં લગાવવામાં આવેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. સાથે જ શાળાના શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.