ભાવનગર : ભાવનગર શહેરના નિર્મળનગરમાં સ્થિત હીરાબજાર સજ્જડ બંધ રહ્યું હતું. માત્ર હીરાબજાર નહીં પરંતુ શહેરના વિવિધ વિસ્તારના હીરાના કારખાનાઓમાં પણ બંધ પાળવામાં આવ્યો છે. જેની શરૂઆત નિર્મળનગરના માધવરત્ન કોમ્પ્લેક્સમાં ભાવનગર મનપા દ્વારા સીલ મારવાની કાર્યવાહી બાદ થઈ. હવે ચાર વ્યાપારીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થતા મામલો બિચક્યો છે. જાણો આ મામલે ડાયમંડ એસોસિએશનને શું કહ્યું...
શું હતો મામલો ? ભાવનગર શહેરનું મુખ્ય હીરાબજાર એટલે નિર્મળનગરનું માધવરત્ન બિલ્ડીંગ. અહીં રોજના 1500 લોકોની અવરજવર રહે છે. ફાયર વિભાગ દ્વારા ત્યાં સીલ મારવામાં આવતા બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં ભાવનગર મનપાના ફાયર વિભાગે આગળના દરવાજે સીલ માર્યું, પરંતુ પાછળનો દરવાજો ખુલ્લો રહ્યો હતો. ત્યાંથી અવરજવર શરૂ હતી. રાત્રી દરમિયાન ફાયર વિભાગ ફરી પહોંચ્યું અને સીલ મારીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય ત્રણ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.
ડાયમંડ એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત : માધવરત્ન બિલ્ડિંગમાં સીલ મારવા અને ડાયમંડ એસોસિએશનના ચાર વ્યાપારીઓ સામે થયેી ફરિયાદને પગલે મહાનગરપાલિકા સામે રોષ ઠાલવતા વેપારીઓએ બાઈક રેલી યોજી હતી. જેમાં નિર્મળનગરથી કલેકટર કચેરી સુધી રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં કમિશનરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર મનપા કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, ફાયર વિભાગે નિયમ અનુસાર કાર્યવાહી કરી છે. ફરજ રૂકાવટ થતી હોવાને પગલે ફાયર વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોન્ડ પર લખીને આપશો એટલે સીલ ખોલવામાં આવશે.
ડાયમંડ એસોસિએશનની માંગ શું ? ડાયમંડ એસોસિએશન દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યા બાદ બીજા દિવસે હીરાબજાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં કુમુદવાડી, ટોપ 3, શિવાજી સર્કલ વગેરે વિસ્તારોમાં હીરાના કારખાના પણ બંધ રહ્યા છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું કે, હીરા બજાર બંધ છે તેનું કારણ હીરાના વેપારીઓ સામે થયેલી ખોટી ફરિયાદ છે. ખોટી ફરિયાદ એટલા માટે કે, જે વેપારી સ્થળ પર હાજર ન હોય તો ફરિયાદ થાય શા માટે. ખોટી ફરિયાદ કરીને ભાવનગરને ભાંગવાના ધંધા કરતા હોય તો આજની તારીખે અસરકારક પગલાં લેવા જોઈએ. આ ફરિયાદ પાછી ખેંચાવી જોઈએ, આ અમારી માંગણી છે.
સીએમને રજૂઆત કરવાની તૈયારી : ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું કે, જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે 100 ગાડી લઈને CM ઓફિસમાં રજૂઆત કરવા જઈશું. ફાયર સેફટી માટે બિલ્ડીંગ સોસાયટી કમિટી અલગ હોય છે અને તે પહેલા દિવસે તૈયાર હતી. આપને 300 ના બોન્ડ પર લખીને આપીએ અને વર્ક ઓર્ડર પણ આપીએ, છતાં પણ કંઈક રાજકીય ઈશારે કામ થઈ રહ્યું છે. બીજું ફાયર નીતિ નિયમ મુજબ કરવાના હોય, પરંતુ જે ફરિયાદ ખોટી રીતે થઈ છે, એનો વિરોધ છે.