રાજકોટ: જિલ્લામાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક છે. જેથી રાજકોટમાં નવરાત્રિનાં આયોજન માટે ફાયર વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. નવરાત્રિનાં તહેવારોમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા આ નિયમોનું પાલન કરાવવામાં આવશે. હવે નવરાત્રિનાં આયોજકો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
નવરાત્રિના આયોજન અંગે ગાઇડલાઇન જાહેર: આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નવરાત્રિના બધા આયોજનો સુરક્ષિત માહોલમાં થાય તે માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જુદી-જુદી જોગવાઈ આપવામાં આવી છે. આયોજકોએ આ તમામનું પાલન કરવાનું રહેશે અને તેનું સોગંદનામું 4 નકલમાં મનપાને અને એક નકલ પોલીસને આપવાની રહેશે.
ત્યાર બાદ આગળની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. અમારી ટીમો પણ સમયાંતરે ચકાસણી કરશે અને ફાયર સહિતનો જરૂરી સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે. કોઈપણ દુર્ઘટના ન બને તે માટે આ વર્ષે અમુક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેથી સુરક્ષિત નવરાત્રિનું આયોજન કરી શકાય.
ગરબા આયોજકો દ્વારા તમામ નિયમોનું પાલન: ગરબા આયોજક જીગર ભટ્ટનાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવેલા નિયમો અમે જોઈ લીધા છે. અને તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી પણ કરી લીધી છે. કોઈપણ આયોજકો ખેલૈયાઓની સુરક્ષા માટે પ્રયત્નશીલ હોય જ છે. છતાં ફાયર NOC, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સહિતના તમામ નવા નિયમોનું પાલન કરવા માટે પણ અમે તૈયાર છીએ. જો કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ સરળતાથી આવી શકે તેવી જગ્યા રાખવામાં આવશે. તેમજ નિયમ મુજબ બે ઇમરજન્સી એક્ઝિટ પણ રાખવામાં આવશે. ખેલૈયાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અને આ માટે તમામ નિયમોનું પાલન કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.
આ પણ વાંચો: