રાજકોટ : આટકોટની ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું થયું હતું. આ અંગે ટ્રસ્ટીને જાણ થતાં આવા કૃત્યને અટકાવવાના બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યું હતું. આ અંગે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધાતા ખળભળાટ મચ્યો છે.
ભાજપ આગેવાનો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ : આ બાબતે પોલીસ સૂત્રોમાંથી જણાવ્યા મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે. પરેશ રાદડિયાના પત્ની રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય હોવાની છે. બંને આરોપી વિરુદ્ધ સામે ગુનો નોંધ્યો છે.
આટકોટ પ્રતિક્ષા વિદ્યા સંકુલનો બનાવ : આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીએ પાંચ વર્ષ પહેલા ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું અને કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી. અહીં એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને વર્ષ 2021 માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય હતો. જેથી આરોપીએ ટોર્ચરિંગ શરૂ કર્યું અને વારંવાર છેડતી કરતો હતો. ઉપરાંત સ્કૂલ તથા છાત્રાલયમાં બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.
વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો : ગત જુલાઈ 2023 માં આરોપી મધુભાઈ ટાઢાણીએ કન્યા છાત્રાલયનો કલર કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કલરકામ કરવાના બહાને અવાર-નવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. સાથે જ પીડિતાને ધમકી આપતો કે, આ બાબતમાં જો કોઈને કહીશ તો આખા પરિવારને જીવતા નહીં રહેવા દઉં. આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ લડકી અને તેને પણ વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હતી.
કુકર્મ બાદ આપી ધમકી : આટકોટની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર ટ્રસ્ટી સહિત ભાજપના બે અગ્રણીઓએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની પર હેવાનીયત આચરતા ભાજપના બંને આગેવાનોએ વિદ્યાર્થિનીને પોતાના અંકુશમાં રાખવા રેક્ટર બનાવી તેને અલગ ઓફિસ ફાળવી હતી. અવારનવાર મળવાનુા બહાને અને રિપોર્ટના બહાને એકાંતમાં બોલાવી તેની સાથે શારીરિક છેડછાડ અને શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું છે.
છાત્રાલયના સંચાલકે ઝેરી દવા પીધી : આ કન્યા છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ થતું હોવાની અરજી રાજકોટ જિલ્લા પોલીસ વડા સમક્ષ થઈ હતી. જે બાદ સંસ્થામાં વર્ચસ્વની લડાઈના કારણે 72 વર્ષના સંચાલક અરજણભાઈ રામાણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં હાલ તેઓ સારવાર હેઠળ છે. ત્યારે આ ગુનામાં તેમનો શું રોલ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી : છેલ્લા એક વર્ષથી ભાજપના બે આગેવાનો વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા અને ધમકી આપતા હતા. મુંગા મોઢે સહન કરતી વિદ્યાર્થિની એકદમ ડરી ગઈ હતી. પરિવારજનોને આ બનાવની જાણ થતાં રાજકોટ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી હતી. આ ઘટનામાં અંતે આટકોટ પોલીસ ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ આગળની તપાસ I.U.C.A.W. ના PI આર. એન. રાઠોડને સોંપવામાં આવી છે.