મહેસાણા: નીમ કોટેડ યુરિયા ખાતર કે જે ખેડૂતો સુધી પહોંચવું જોઈએ તેની જગ્યાએ અહીં દેખાતી આ ફેક્ટરીમાં જતું હોવાનુ સામે આવ્યું છે. ખેડૂતોને ઉપયોગમાં લેવાનું ખાતર ફેક્ટરીમાં શું કરે છે તે જોતાં જ સવાલ ઊભો થાય છે કે, સરકારી ખાતર ફેક્ટરીમાં આવ્યું તો આવ્યું ક્યાંથી ? અને આ ફેકટરી સંચાલક સરકારી ખાતર કેમ મંગાવતો હતો ? નંદાસણના લક્ષ્મીપુરા ગામની સીમમાં એસઓજી પોલીસે બાતમીની વોચ કરી હતી. આ વોચમાં લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલ એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની ફેક્ટરીમાં ટ્રેક્ટરમાં લઈ જવાતું 50 બોરી નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી લેવાયું હતું. જે ખાતરની બોરી ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉવરક પરિયોજના ભારત લખેલ યુરિયાવાળું નીમ કોટેડ યુરિયા નંગ 50 મળી આવ્યું હતું.
ખાતરમાંથી ફેક્ટરી માટે રેઝિન નામના કેમિકલ બનાવે છે: પોલીસે તપાસ કરેલ મુદ્દા માલમાં 50 બોરી યુરિયા ખાતર કે જેની કિંમત રૂપિયા 13,325 અને રૂપિયા અઢી લાખની કિંમતનું ટ્રેક્ટર તેમજ મોબાઇલ મળી રૂપિયા 2.68 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી નંદાસણ પોલીસે શરૂ કરી છે. નંદાસણના લક્ષ્મીપુરા ગામની સીમમાં ધમધમતી આ ફેક્ટરી પર નીમ કોટેડ યુરિયા ખાતર લઈ જવાતું હતું. જેના માલિક લાલાભાઇ બળદેવભાઈ પટેલ કે જેઓ નંદાસણના લક્ષ્મીપુરા માથા સુરિયાવાળાનું હોવાની માહિતી મળી હતી. જે પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે રેઝિન નામના કેમિકલનું આ ખાતરમાંથી બનાવતા હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી.
ખાતરના સેમ્પલ લેબમાં મોકલ્યા: આમ, આ ફેક્ટરીમાં લઈ જવાતું 50 બોરી નિમ કોટેડ યુરિયા ખાતર તો હાલમાં જપ્ત કરાયું છે, પરંતુ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી ? શું રોજ 50 દોરી જેટલું ખાતર અહીં વપરાતું હશે ? તો અત્યાર સુધી કેટલા સરકારી ખાતરનું બારોબારિયું કરાયું ? તેવા ઘણા સવાલો ઊભા થાય છે. ત્યારે હવે આ ખાતરના સેમ્પલ લેબમાં મોકલી પોલીસે પૃથ્થકરણની કાર્યવાહી હાથ ધરી છે જેના બાદ આગળ પોલીસ કાર્યવાહી કરશે.