મહેસાણા: ભૂગર્ભમાંથી આવતા લાલ પાણીથી રોગચાળાની દહેશત ફેલાઈ છે. મહેસાણાના કડીના રાજપુર ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભમાંથી પાણી લાલ કલરનું આવે છે. જેનાથી રાજપુર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજના 20 થી વધુ પાણીજન્ય રોગો અને મહિને 3થી 4 જેટલા કેન્સરના દર્દીઓ આવી રહ્યા છે.
પીવાનું પાણી લાલ આવતા રોગચાળાની ભિતિ: મહેસાણા રાજપુરના મુસ્લિમપરા વિસ્તારમાં બોરના પાણીમાં અચાનક લાલ પાણી આવવા લાગ્યું હતું. જે પાણીની બોટલમાં ભરતા એટલું દૂષિત જણાયું કે પીવું કઈ રીતે તે સવાલ થાય. આ વિસ્તારમાં હમણાં લાલ પાણી આવ્યું હોય એવું નથી. છેલ્લા 10 વર્ષથી રાજપુરના અલગ અલગ વિસ્તારમાં બોરના પાણીમાં લાલ પાણી આવવાની સમસ્યા છે.
પોલ્યુશન વિભાગે પાણીના સેમ્પલ લીધા: થોડા દિવસ અગાઉ રાજપુરના મુસ્લિમપરા વિસ્તારના ખેતરના એક બોરમાં લાલ પાણી આવવા લાગ્યું. જે સમગ્ર મામલે સ્થાનિકોએ પોલ્યુશન વિભાગને રજૂઆત કરતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ લીધા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ સીએમઓ ઓફિસ પણ મેઈલ કરીને લેખિતમાં રજૂઆત પણ કરી છે.
પાણીજન્ય રોગથી પીડિત દર્દીઓમાં વધારો: બીજી તરફ રાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબનો સંપર્ક કરતા તબીબ ડો. કેતનભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રોજના 20 જેટલા પાણીજન્ય રોગથી પરેશાન દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે દર મહિને રાજપુર વિસ્તારમાંથી 3થી 4 જેટલા કેન્સરના કેસો પણ આવી રહ્યા છે. જે ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગે પણ પાણીના સેમ્પલ લઈને પાણીમાં કોઈ હાનિકારક તત્વો છે કે નહીં તેની તપાસની કાર્યવાહી પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ જાણો: