બનાસકાંઠા: પાલનપુર એરોમા સર્કલ નજીક શ્રી આઈસીયુ એન્ડ હોસ્પીટલ ચલાવતા સંચાલક ઉપર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની નોંધ થતાં પશ્ચિમ પોલીસે હુમલાખોરોને પકડવા માટે તેમના ચક્રો તેજ કરી દીધા છે.
ઘરે જતા સમયે રસ્તામાં હુમલો: આઇસીયુ સંચાલક ભરતભાઇ પુનમપુરી ગૌસ્વામી આઈસીયુથી એકટીવા લઈ ઘરે જતા હતા. તે દરમિયાન પાલનપુર આબુ હાઇવે મફતલાલના શો રૂમ નજીક મોઢા પર રૂમાલ બાંધીને બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ લોખંડની પાઈપોથી ભરતભાઇ ઉપર હુમલો કર્યો હતો. જોકે આ ઘટના બનતા આસપાસના લોકો ભેગા થતા પીડિતની મદદે આવ્યા હતા. આથી લોકોના હાથે ન પકડાય તે બીકથી હુમલો કરનારા બંને અજાણ્યા ઈસમો ત્યાથી નાસી છૂટ્યા હતા. જો કે સંચાલક ભરતભાઇને ઈજા થતાં ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને શ્રી આઈસીયુમાં સારવાર અર્થે ખસેડયા હતા.
હુમલામાં સંચાલકને ઈજાઓ: આઈસીયુના સંચાલક ભરતભાઇ પુનમપુરી ગૌસ્વામીની તપાસ કરવામાં આવી હતી જેમાં ડોકટરના રિપોર્ટ અનુસાર તેમના જમણા હાથમા કોણીથી બાવડાના વચ્ચેના ભાગે, કાંડાના ઉપરના ભાગે, ડાબા પગે ઘુંટીના સાંધાના ભાગ સહિત શરીરે મલ્ટિપલ ફેકચર થયા છે.
પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ: આઈસીયુ સંચાલક પર હુમલો કરી નાસી જનારા બે અજાણ્યા ઈસમો સામે સંચાલક દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે તેમજ આ હુમલો કરાયા પાછળના કારણો જાણવા માટે તમામ કડીઓ મેળવવાની દિશામાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. જોકે હમલાનું કારણ હજી જાણી શકાયુ નથી.