રાજકોટ : કેન્સર એટલે ન હરાવી શકાય એવો રોગ એવી એક પ્રચલિત માન્યતા છે, પણ ઘણા એવા નામી લોકો છે જેમણે કેન્સરનાં રોગને માત આપી છે. આવોજ જુસ્સો અને જોમ રાજકોટ ખાતે કેન્સરથી પીડાતા મહિલા દર્દીઓમાં ત્યારે જોવા મળ્યો જ્યારે આ મહિલા દર્દીઓએ કોઈ ફેશન શોમાં જેમ મોડેલ્સ રેમ્પ-વોક કરે તેવી રીતે એક પ્રકારે રેમ્પ-વોક કરીને સ્થળ પર હાજર સહુ કોઈને અચરજમાં મૂકી દીધા. આ કેન્સર વોરિયર્સ ફેશન રેમ્પ-વોક શો ગુજરાતમાં સૌપ્રથમ આવું આયોજન હોવાનો આયોજક અશ્વિનભાઈ સોલંકીનો દાવો છે.
કેન્સર સર્વાઇવર મહિલાઓની ખુશી : આ શો માં ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાયે દક્ષિણ ભારતમાંથી વિજયવાડાથી પણ એક મહિલા દર્દી આવ્યા હતા અને આ આયોજનમાં 19 વર્ષની ઉમરથી લઈને 73 વર્ષની ઉમરની કેન્સરથી પીડાતી મહિલા દર્દીઓએ હિસ્સો લીધો હતો. આ શોમાં હિસ્સો લેનારી મહિલા દર્દીઓનાં ચેહરા પર તેઓ આ કેન્સરની બીમારીથી પીડાઈ રહી હોવાની કોઈ નિશાની શુદ્ધ જોવા નહોતી મળી અને રાજીખુશીથી આ શોમાં હિસ્સો લેનારી મહિલાઓએ ત્યાં હાજર જનમેદનીનું અભિવાદન પણ સહર્ષ ઝીલ્યું હતું.
73 મહિલાઓએ હિસ્સો લીધો : આયોજકોએ કરેલા સંશોધન મુજબ આ પ્રકારનો ફેશન રેમ્પ વોક શો કેન્સરથી પીડિત મહિલા દર્દીઓ માટે માત્ર બેંગ્લુરુ ખાતે યોજાયો હોવાની વાત સામે આવી છે જેમાં 20 મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યારે રાજકોટ સ્થિત કેન્સર વોરિયર્સ ફેશન રેમ્પ વોક શોમાં 73 મહિલાઓએ હિસ્સો લઈને આ આયોજનને કદાચ દેશમાં કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે કરવામાં આવેલા આવા આયોજનોમાં આગવી હરોળમાં મૂકી દીધું છે.