સુરત : પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કચ્છના ખાવડાથી નવસારી, વાંસી અને બોરસી સુધી નાખવામાં આવી રહેલી 765 kv નવી વીજ લાઈનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજરોજ કાર રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી કરશે રજૂઆત કરી હતી. કોઈપણ ભોગે જમીન આપવા ન માંગતા ખેડૂતોએ જમીન સંપાદનના કાયદા બદલવા માંગ કરી છે.
765 kv વીજ લાઇનનો વિરોધ : "જાન દેગે જમીન નહિ" નારા લગાવી રહેલા ખેડૂત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના ખેડૂતો છે. તેઓ ભેગા મળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાખવામાં આવતી નવી વીજ લાઈનનો વિરોધ કર્યો હતો.
"જાન દેગે જમીન નહિ" : સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું કે, આ વીજ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લઈ જવામાં આવી રહી છે. અગાઉ પણ આ જ વિસ્તારમાંથી કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવે પસાર કરવામાં આવ્યો અને ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવાર વીજ લાઇન પસાર થતા હવે ખેડૂતોને વધુ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.
જમીન સંપાદનની પ્રક્રિયા : એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે જમીન સંપાદન સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને સરકાર દ્વારા મોઢે માગેલી રકમ જમીન માટે આપવામાં આવી હતી. જોકે વીજ લાઈનના પોલ ઉભા કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા એકદમ અલગ છે. સરકાર હજુ પણ 1885, ટેલીગ્રાફીક એક્ટને અનુસરી રહી છે, જે ટેલીફોનના થાંભલા નાખવા માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં ટેલીફોનનો માત્ર એક પોલ ઉભા કરવામાં આવતો હતો, જેનાથી ખેતીને કોઈ નુકસાન થતું નહોતું.
ખેડૂતોની સમસ્યા શું ? પરંતુ 765 કેવી વીજ લાઈન અલગ છે. 85*85 ની માતબર જગ્યામાં વીજ પોલ ઊભો થશે. ત્યારબાદ ખેતરમાંથી વીજ લાઇન પસાર થશે. જેનાથી જમીન અને પર્યાવરણને પણ ભારે નુકસાન થવાનું છે. ખેડૂતોની માંગ છે કે જેમ શહેરી વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઇન નાખે છે, તે રીતે જમીનની અંદર કેબલ લાઈન નાખે અથવા તો ગુજરાતના કોસ્ટલ એરિયામાંથી આ લાઈન પસાર કરવામાં આવે.
ખેડૂતોની માંગ : પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાલ જે જગ્યા પરથી લાઈન પસાર થવાની છે, તે વિસ્તારના ખેડૂતોને નોટીસ આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યા પર કંપનીના કર્મચારીઓ દ્વારા જબરજસ્તી ખેતરમાં ઘૂસી જઈ ઊભા ખેતી પાકને નુકસાન કરવાના પણ કિસ્સા સામે આવ્યા છે. ખેડૂતોની માંગ છે કે જ્યાંથી લાઈન પસાર થવાની છે તે તમામ ખેડૂતોને એક સાથે નોટીસ આપવામાં આવે. આજરોજ ખેડૂતો મોટી સંખ્યામાં કામરેજના વલથાન ખાતે ભેગા થયા હતા. ઉપરાંત કાર રેલી સ્વરૂપે કલેકટરને રજૂઆત કરવા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.