બનાસકાંઠા : પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા જિલ્લાવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. જોકે વર્ષોથી ચાલી રહેલી આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની વિચારણા ચાલી હતી. જોકે, 140 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજના નિર્માણની વિચારણા પડતી મુકાઈ હતી.
બાયપાસ માટે જમીન સંપાદન : બાદમાં પાલનપુરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન સરકાર ખેડૂતો પાસેથી પોતાના મળતિયાઓને સાચવવા જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં છે.
ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન : અગાઉ ત્રણ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તે બાદ આંદોલનની રણનીતિ ઘડવા થોડા દિવસો અગાઉ પાલનપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોડલા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જોકે તે બાદ આજે ખેડૂતો બાયપાસમાં સરકાર વધુ જમીન હડપ કરી પૂરતું વળતર ન આપતી હોવાની રજૂઆતને લઈ પાલનપુર ખાતે યોજાયેલા કોંગ્રેસ જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ : પાલનપુર ખાતે વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. આ વિસ્તારના ખેડૂતોએ આ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને તે બાદ વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
ખેડૂતોની માંગ અને રજૂઆત : જોકે શહેરના GIDC વિસ્તારમાંથી યોજાયેલી ખેડૂતોની રેલી કલેકટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં રજૂઆત કરી કે, જમીન સંપાદનમાં 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા લેવામાં આવે.
ઉપરાંત ખેડૂતોને બજારના ભાવ મુજબ વળતર આપવામાં આવે અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે, તે ખેડૂતોને ન્યાય આપવામાં આવે, તેવી અલગ અલગ માંગ તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.
લડી લેવાની ખાતરી...જોકે ખેડૂતોની આ માંગ નહી સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાથે જ વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવાની બાંહેધરી આપી છે. જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોના ખેતરેથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે.