સુરત : ગુજરાતમાં ચાલતા ઝોલાછાપ ડોક્ટરોના નેટવર્ક મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. સુરત પાંડેસરા પોલીસે સમગ્ર ગુજરાતમાં ઝોલાછાપ ડોક્ટરોને બોગસ સર્ટિફિકેટ સપ્લાય કરતા બે વ્યક્તિ સહિત 14 જેટલા બોગસ ડોકટરોની ધરપકડ કરી છે.
ઝોલાછાપ ડોક્ટરોનું સૌથી મોટું નેટવર્ક : ગુજરાતમાં લોકોના જીવની સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોને સુરતના રસેશ ગુજરાતી અને અમદાવાદના બી. કે. રાવત માત્ર 70,000 કે 80,000 રૂપિયામાં બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપથીનું સર્ટિફિકેટ આપી દેતા હતા. સુરત પાંડેસરા પોલીસે ઝોલાછાપ ડોક્ટરોના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી : આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર એવા રસેશ ગુજરાતી અને બી. કે. રાવત પાસેથી ઝોલાછાપ ડોક્ટરો માત્ર રૂ. 70,000 ચૂકવીને બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીની ડિગ્રી મેળવી લેતા હતા. બાદમાં આ બોગસ ડિગ્રીના આધારે લોકોના જીવ સાથે છેડા કરતા. અત્યાર સુધી ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે જે કાર્યવાહી કઈ છે તેમાં સૌથી મોટી કહી શકાય તેવી કાર્યવાહી પાંડેસરા પોલીસે કરી છે.
માત્ર 70 હજારમાં વેચતા ડોક્ટરની ડિગ્રી : પાંડેસરા પોલીસે સુરતમાંથી ડો. રસેશ ગુજરાતી અને અમદાવાદમાંથી ડો. બીકે રાવતની ધરપકડ કરી છે. આ બંને આરોપીએ અત્યાર સુધીમાં 1,200 થી વધુ લોકોને આવી બોગસ ડિગ્રીઓ આપી છે. આરોપીઓ માત્ર 70,000 થી લઈને 80,000 રૂપિયા સુધીની રકમ લઈ બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીની ડિગ્રી પકડાવી દેતા હતા.
1200 થી વધુ "ઝોલાછાપ ડૉક્ટર" ની પોલ ખૂલશે : આરોપીઓએ છેલ્લા 20 વર્ષ દરમિયાન માત્ર ધોરણ આઠ કે દસ ધોરણ ભણેલા 1,200 થી વધુ વ્યક્તિઓને બોગસ ડિગ્રી આપી ડોક્ટર બનાવી દીધા છે. કોઈપણ વ્યક્તિ માત્ર રૂપિયા લઈને જાય એટલે અઠવાડિયાની અંદર તેને સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હતુ. આરોપી ઝોલાછાપ ડોક્ટર બનાવતા પહેલા જે તે વ્યક્તિને બે-પાંચ દિવસ પોતાની ઓફિસે બોલાવીને ટ્રેનિંગ કે મોટીવેશન આપવાનું નાટક પણ કરતા.
બોગસ "ડિગ્રી" સાથે સલામતીનું "સર્ટિફિકેટ": બોગસ ડિગ્રી આપ્યા બાદ પણ ખંડણીનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેઓ બે મોડેલ પર કામ કરતા. એક મોડલમાં ડિગ્રી લેનાર વ્યક્તિ પાસેથી દર વર્ષે 5,000 રૂપિયા રિન્યુઅલ ફી વસૂલ કરવામાં આવતી. બીજા મોડલમાં સર્ટિફિકેટ લેનારને દર મહિને 5,000 રૂપિયા રસેસ ગુજરાતીને આપવાના રહેતા, જેના બદલામાં તેને પોલીસ અને કાયદાથી તમામ સલામતી આપવાનું વચન અપાતું હતું.
ડિગ્રી રિન્યુઅલના નામે પણ પૈસા પડાવ્યા : એટલું જ નહીં આરોપીઓ દર વર્ષે ડિગ્રી રિન્યુઅલના નામે રૂપિયા પણ પડાવતા હતા. કેટલાક કિસ્સામાં ડિગ્રી ખરીદનાર ડોક્ટરો પાસેથી દર મહિને 5,000 રૂપિયા જેટલી રકમ મેળવીને તમામ પ્રકારની સલામતી આપવાનું વચન આપતા હતા. આ ખંડણી વસૂલવા માટે સુરતમાં બે શખ્સ પણ રાખ્યા હતા. આમ માફિયા સ્ટાઇલમાં બોગસ ડોકટરોને સર્ટિફિકેટ આપતો રસેશ ગુજરાતી હવે પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે.
લ્યો ! આરોપીઓ હાઈકોર્ટ પણ જઈ આવ્યા : કેટલાક સંજોગોમાં જ્યારે સમગ્ર મામલામાં ઉહાપોહ થયો ત્યારે રસેશ ગુજરાતી અને બીકે રાવતે મામલાને હાઈકોર્ટ સુધી લઈ જઈને આખી વાતમાં લીગલ પિટિશન ઊભી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ ડિગ્રી સર્ટિફિકેટ પણ એવી રીતના બનાવ્યા હતા જાણે ગવર્મેન્ટની મંજૂરી હોય તેવું પહેલી જ નજરે કોઈને પણ લાગે. પાંડેસરા પોલીસની તપાસ અનુસાર રાજ્ય સરકાર તરફથી કોઈ જ પ્રકારની મંજૂરી અત્યાર સુધી આપવામાં આવી નથી.
14 શખ્સો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ : હાલ આરોપી રસેશ ગુજરાતી અને બી. કે. રાવત પાંડેસરા પોલીસની કસ્ટડીમાં છે અને પોતાની વાતને વળગી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં વધુ કૌભાંડો સામે આવે તેવી શક્યતા છે. પાંડેસરા પોલીસે હાલ મુખ્ય બે આરોપી, રૂપિયા ઉઘરાવવા માટે રાખેલા બે વ્યક્તિઓ સહિતના અન્ય લોકો સામે ખંડણી અને છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.