નાસિકઃ કેનેડાના ટોરોન્ટો શહેરમાં 24 ઓક્ટોબરની રાત્રે નવી ટેસ્લા કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બે ગુજરાતી ભાઈ બહેન અને નાસિકના ઈન્દિરાનગરમાં રહેતા દિગ્વિજય રાજેન્દ્ર ઔસરકર (ઉંમર 30)નો પણ સમાવેશ થાય છે. દિગ્વિજયના પિતા અને બહેન નાસિકથી કેનેડા ગયા બાદ કેનેડા પોલીસને ડીએનએ દ્વારા દિગ્વિજયની ઓળખ કરવામાં સફળતા મળી છે.
દિગ્વિજય કેનેડામાં એક મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ અમેરિકાથી પૂર્ણ કર્યું હતું. અભ્યાસમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે, દિગ્વિજયને ત્યાંની યુનિવર્સિટીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલા તેને કેનેડાની એક મોટી કંપનીમાં નોકરી મળી એટલે તે કેનેડા શિફ્ટ થઈ ગયો.
અકસ્માતના 15 દિવસ પહેલા દિગ્વિજયના માતા-પિતા તેને કેનેડામાં મળવા આવ્યા હતા અને પછી નાસિક પરત ફર્યા હતા. 24 ઓક્ટોબરે દિગ્વિજયની ગુજરાતી ગર્લફ્રેન્ડ ઝલક પટેલનો જન્મદિવસ હતો, તેથી ગુજરાતની કેતા ગોહલી, નીલ ગોહલી સહિત ચાર મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા ટોરોન્ટો શહેરમાં ભેગા થયા હતા.
ગુજરાતના બે મિત્રોના મોત
તેના એક મિત્રએ હાલમાં જ ટેસ્લા કાર ખરીદી હતી. બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ ચારેય ટેસ્ટ ડ્રાઈવ માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન કાર અચાનક પલટી ખાઈ ગઈ અને રોડની બીજી બાજુના લોખંડના ગર્ડર સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં આગ લાગી અને થોડીવારમાં જ તેમાં વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં ઝલક બચી ગઈ હતી. પરંતુ દિગ્વિજયની સાથે ગુજરાતના રહેવાસી કેતા ગોહલી અને નીલ ગોહલીનું પણ મૃત્યુ થયું હતું.
દિગ્વિજયના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પિતા અને બહેન નાસિકથી ટોરન્ટો પહોંચ્યા હતા. તેમની વિનંતી પર, કેનેડિયન પોલીસે તપાસ શરૂ કરી અને ડીએનએ દ્વારા દિગ્વિજયની ઓળખ થઈ હતી.
કેનેડાએ સંબંધીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો
દિગ્વિજય, એક સફળ વ્યાવસાયિક અને તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. તેના કરૂણ અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. કેનેડાની સરકારે તેના સંબંધીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેના પિતા રાજેન્દ્ર અને બહેન સ્વામિનીના વિઝા પૂરા થયા ન હતા, તેથી તેઓ કેનેડા જઈ શક્યા.
દિગ્વિજયના પિતરાઈ ભાઈ કેતન ઔસરકરે કહ્યું કે બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધોની અસર આ દુખદ સમયે જોવા મળી રહી છે.