બનાસકાંઠા: પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા ડ્રગ્સ મામલે પાલનપુર શહેરની સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ફોજદારી કેસમાં ભટ્ટની આ બીજી સજા હતી - પ્રથમ 2019માં તેમને જામનગર કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. પાલનપુરની બીજી એડી. સેસેન્સ કોર્ટ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં આઈપીએસ સંજીવ ભટ્ટ તરફથી એડવોકેટ બીએસ તુવર અને સરકાર તરફથી હાઇકોર્ટના સરકારી વકીલે જુદી જુદી દલીલો રજુ કરી હતી. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જેમાં કોર્ટે 2 લાખના દંડ સાથે 20 વર્ષની સજા ફટકારી છે.
સંજીવ ભટ્ટની પત્નીએ કહ્યું કે આ મિસ્કેરેજ ઓફ જજમેન્ટ છે. મારા પતિએ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી છે. પરંતુ મને ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમ છતાં અમે લડીશું અને આ મામલે હાઈકોર્ટમાં જઈશું. તેમને સન્માન સાથે પાછા લાવીશું.
શું હતો કેસ: એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે એન ઠક્કરે રાજસ્થાનના વકીલને ખોટી રીતે ફસાવવા બદલ સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે 1996માં પોલીસે પાલનપુરની એક હોટલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જ્યાં વકીલ રોકાયો હતો. 2015માં ભારતીય પોલીસ સેવામાંથી બરતરફ કરાયેલા ભટ્ટ તે સમયે બનાસકાંઠા જિલ્લાના SP તરીકે ફરજ બજાવતા હતા. આ અંગે વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે તપાસ થતાં સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઇ હતી.
પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર આઈબી વ્યાસે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં કેસની સંપૂર્ણ તપાસની માંગણી કરી હતી. ભટ્ટની સપ્ટેમ્બર 2018માં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સના કેસમાં રાજ્યની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પાલનપુર સબ-જેલમાં છે. ગયા વર્ષે, ભૂતપૂર્વ IPS અધિકારીએ 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં પક્ષપાતનો આરોપ લગાવીને, ટ્રાયલને અન્ય સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરવા માટે પણ નિર્દેશો માંગ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે ભટ્ટની અરજી ફગાવી દીધી હતી અને ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં નીચલી કોર્ટના જજ સામે પક્ષપાતનો આરોપ લગાવવા બદલ તેમના પર 3 લાખનો દંડ લાદ્યો હતો.
1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં 2019માં આજીવન કેદની સજા થઈ
ડ્રગ કેસમાં ટ્રાયલ પેન્ડિંગ દરમિયાન, જામનગરની સેશન્સ કોર્ટે 2019 માં ભટ્ટને હત્યાના દોષી ઠેરવ્યા હતા અને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કસ્ટોડિયલ ડેથ કેસ તે સમયનો છે જ્યારે ભટ્ટ જામનગર જિલ્લામાં અધિક પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
નરેન્દ્ર મોદી પર લગાવ્યા હતા આરોપ:
સંજીવ ભટ્ટ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. વર્ષ 2002ના રમખાણોની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સહિત તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર સામે SITની તપાસ ચાલી રહી છે.