ભાવનગર : ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે ખુલતા સત્રમાં જ પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ શિક્ષકોની ઘટની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર થતી હોય છે. રાજ્યમાં કેટલા શિક્ષકોની ઘટ છે અને એક શિક્ષકના અભાવથી શાળામાં નુકસાન કોને વેઠવું પડે છે. જુઓ સંપૂર્ણ વિગત...
રાજ્યમાં શિક્ષકોની ઘટ કેટલી ?
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીમાં 1,92,043 જેટલા શિક્ષકોનું મહેકમ છે. હાલ 23,659 જેટલા શિક્ષકોની ઘટ છે. જેમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં 15,341 અને ધોરણ 6 થી 8માં 8,318 શિક્ષકોની ઘટ નોંધાયેલી છે. ઉપરાંત માધ્યમિકમાં 7,324 શિક્ષકોની ઘટ છે, જેમાં મંજૂર થયેલા 31,337 શિક્ષકો છે. તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં મંજૂર થયેલા 24,416 શિક્ષકો પૈકી હાલમાં 8,033 જગ્યા ખાલી પડી છે. આમ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 55,753 શિક્ષકો પૈકી 15,357 શિક્ષકોની ઘટ છે.
ભાવનગરમાં શિક્ષકોની ઘટ અને સેટઅપ
ભાવનગર મહાનગરપાલિકાના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ નિમ્ન જોવા મળે છે. શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 945 નું સેટઅપ છે, જેમાંથી 903 શિક્ષકો કાયમી છે. જ્યારે 5 જ્ઞાન સહાયક, 14 ખેલ સહાયક, 6 ચિત્ર અને 6 સંગીતના પ્રવાસી શિક્ષક છે. આમ 42 જેટલા શિક્ષકોની ઘટ છે. ગત 31/10/2023 અને 31/5/2024 એ શિક્ષક નિવૃત્ત થવાને કારણે 42 ની ઘટ આવી છે. જોકે આગામી દિવસોમાં 31/7/2024 એ સેટઅપ મંજૂર થતા ઘટમાં ઘટાડો થશે.
શિક્ષક સંઘનું મંતવ્ય અને માંગ
ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઘણી મોટી સંખ્યામાં ઘટ છે. એના અન્વયે રાજ્ય સરકારે છેલ્લે ભરતીની જાહેરાત કરી, તે પણ ઘણી ઓછી છે. ભાવનગર શહેરની વાત કરીએ અંદાજે 40 થી 42 શિક્ષકોની ઘટ છે. 31/7/2024 નું મહેકમ હવે પછી મંજૂર થાય, ત્યારે આ ઘટમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ વર્ષે લોકોએ સરકારી પ્રાથમિક શાળા ઉપર ખૂબ જ વિશ્વાસ મૂકીને મોટાપાયે એડમિશન આપ્યા છે. જેના કારણે આજે 40 શિક્ષકોની ઘટમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બાબતે રાજ્ય સંઘ અને અમારા જેમ બીજા અન્ય મોટા સંઘ સાથે પરામર્શ કરીને અમે રાજ્ય સરકારમાં આ ભરતી તાત્કાલિક પૂર્ણ થાય એના માટે રજૂઆત કરી છે.
બાળકોના અભ્યાસ પર કેવી અસર
શિક્ષક અજય ચૌહાણે જણાવ્યું કે, જો પૂરતા શિક્ષક ન હોય તો ક્લાસની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. જેમ કે બાળકોને યોગ્ય જ્ઞાન આપવું હોય ભણાવી ન શકીએ. દરરોજ 30 થી 40 બાળકોના ટાર્ગેટ સામે ડબલ હોય તો બાળકોને વન ટુ વન ભણાવી ન શકીએ. ઘણી વખત જેને વન ટુ વન લેશન જોવું હોઈ તો ટાઈમ જતો રહેતો હોય છે, અને પીરીયડ પૂરો થઈ જતો હોય છે. જો ગવર્મેન્ટ પૂરતા ટીચરો આપે તો બાળકોને પૂરો ન્યાય આપી શકતા હોઈએ છીએ.
ભરતી બાદ પણ શિક્ષકોની ઘટ રહેશે ?
ETV BHARAT દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હા રાજ્યમાં શિક્ષકોની ઘટ છે. સરકાર 25 હજારની ભરતી કરવા જઈ રહી છે, તેમાં 15 હજાર પ્રાથમિક અને 10 હજાર ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો હશે. મતલબ કે 23,659 પ્રાથમિકમાંથી માત્ર 15 હજારની ભરતી થશે. ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકમાં 15,357 માંથી માત્ર 10 હજાર જેવી ભરતી થશે. આમ ભરતી તો થશે, પણ ઘટ યથાવત રહેશે.