કચ્છ: રાજકોટના ગેમઝોનમાં બનેલ આગ ઘટનામાં 28 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ફાયર NOC અને ફાયર સેફટીના સાધનોની તપાસના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે ભુજમાં પણ 3 જેટલા ગેમ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે અને ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. આજે ભુજની સરકારી કચેરીઓમાં ETV ભારતે દ્વારા રિયાલિટી ચેકીંગ કર્યું હતું જે દરમિયાન સરકારી કચેરીમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.
જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ: ભુજના જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ભુજ જિલ્લા પંચાયતમાં કુલ 22 ઓફિસ આવેલી છે તમામ ઓફિસની બહાર લગાવામાં આવેલ ફાયર એક્સ્ટિંગ્યુશરના બાટલા એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતમાં 12 એપ્રિલ 2022નાં ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવામાં આવ્યા છે. જેમાં રિફિલ કરવાની ડ્યું ડેટ 11 એપ્રિલ 2023 હતી જે એક્સપાયર થઈ ગયા હોવા છતાં પણ બોટલમાં રિફિલ કરવામાં નથી આવ્યું. ત્યારે બહુમાળી ભવનમાં પણ ફાયર એક્સ્ટિંગ્યુશરની અમુક બોટલ પર કોઈ તારીખો નથી લખવામાં આવી. અમુક બોટલો પર તારીખના સ્ટીકર પણ નથી. વર્ષ 2021માં લાગેલ બોટલને વર્ષ 2022માં રિફિલ કરવું જોઈએ જે આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી.
બોટલ રિફિલ કરવાની જવાબદારી કોની?: ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ રિફિલ કરવાની જવાબદારી જે તે કચેરીના સંચાલકની હોય છે તેવું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. ફાયર સેફ્ટીના સાધનો માટે તેમજ ફાયર NOC માટે ફાયર વિભાગ દ્વારા અનેક વખત નોટિસો પણ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જિલ્લા પંચાયતમાં આગની ઘટના બની ગઈ છે એક તરફ સરકાર ફાયર સેફ્ટી અને NOCની વાતો કરે છે પંરતુ સરકારી કચેરીમાં આ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. આ ઉપરાંત થોડાક દિવસ અગાઉ ભુજના સુરમંદિર સિનેપલેક્સમાં ઉપરના માળે આવેલી સ્ક્રીનમાં આગ લાગી હતી. સદનસીબે આગ લાગી ત્યારે કોઈ શો ચાલુ ન હતો તેમજ લોકો હાજર ન હતા જેથી મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે હવે ભુજમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર ઓફિસર તેમજ વહીવટી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું.
ભુજ નગરપાલિકા કોઈ અઘટિત ઘટના ઘટે તેની રાહ જોતી હોય છે: ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ
વહીવટ તંત્રની સામે આવી લાપરવાહી: ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભુજ વહીવટી તંત્ર હંમેશાની જેમ ખાડે ગયું છે અને ભુજ નગરપાલિકા કોઈ ઘટના બને પછી જ જાગે છે. ભુજમાં નવી બિલ્ડીંગો તેમજ શોરૂમ હજી પૂર્ણ રીતે નિર્માણ ન પામ્યા હોય તોપણ તેમને કમ્પલેશનનું સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હોય છે અને શોરૂમ પણ શરૂ કરી દેવામાં આવતો હોય છે. જ્યારે તેમાં હજી પણ કામ ચાલુ હોય છે તો શું કામ કરતા સમયે કોઈ અઘટિત ઘટના ઘટે તે માટે રાહ જોવાતી હોય છે કે કેમ. સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીના પૂરતા સાધનો ઉપલબ્ધ હોતા નથી અને એક્સપાયર થઈ ચૂકેલા ફાયર એક્સ્ટિંગ્યુશર બાટલા હોય છે.
હાલમાં ત્રણ જેટલા ગેમઝોન બંધ કરાયા: ભુજ નગરપાલિકાના ફાયર ઓફિસર સચિન પરમારે જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ કચ્છ કલેકટરની એક બેઠક મળી હતી જેમાં ભુજમાં આવેલા ગેમ ઝોન પર તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમે તપાસ કરતા ગેમ ઝોનમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો ન હતા. ફાયર NOC ન હોવાથી ત્રણ ગેમ ઝોનને હાલમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. ભુજના સુર મંદિર સિનેપ્લેક્સમાં પણ ફાયર NOCની વારંવાર નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં હજી સુધી ફાયર NOC મેળવવામાં નથી આવી જેના પગલે નોટિસ આપીને હાલમાં સિનેપ્લેક્સ બંધ રાખવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. સરકારી કચેરીઓમાં જે પણ ફાયર એક્સ્ટિંગ્યુશરની બોટલોમાં રિફિલ કરવામાં નથી આવ્યું તેમને પણ નોટિસો આપવામાં આવી છે.