બનાસકાંઠા(વાવ): આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજેય બનાસકાંઠાના વાવ તાલુકાનું એટા ગામ એક એવું ગામ છે. જે દાયકાઓ વિતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે. આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી.
2012થી રજૂઆત કરાઈ: આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજદિન સુધી બન્યો નથી. ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે પણ મજબૂર બન્યા છે. વાવ તાલુકાના એટા ગામ જવા માટે લોકોને ત્રણ કિલોમીટર સુધીનો કાચા માર્ગે પસાર થવું પડે છે. એટા ગામની પ્રાથમિક શાળા જવા માટે પણ કાચા રસ્તે જવું પડે છે. પાકો રોડ બનાવવા માટે 2012 થી આજદિન સુધી અનેકવાર ગામલોકો રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજદિન સુધી પુરા થયા નથી. ચૂંટણી સમયે ગામલોકોને નેતાઓ યાદ કરે છે. જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જૈસે થે જેવી જોવા મળી છે.
લોકોની હાલત કથળી: ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનિય સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામલોકો મૂકવા અને લેવા માટે આવે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જોકે આવી દયનિય સ્થિતિમાં જીવતા લોકોની વેદના આજદિન સુધી તંત્રએ સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલા લીધા નથી.
પાકો રોડ બનવા માંગ: એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે. પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વિધવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી. ત્યારે આ ગામના લોકો આજેય એજ દુઃખ્યારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે મજબુર બન્યા છે. જોકે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું.
આ મામલે સરપંચનો ટેલિફોનિક એક સંપર્ક કરતા જણાવ્યું હતું કે આવા કાચા રસ્તા ગામના 47 જેવા છે, હવે આ રસ્તા મામલે સાંસદ ગેનીબેન ઠાકોરને પણ લેખિતમાં રજૂઆત કરી છે. મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરી છે. હજી સુધી આ રસ્તા મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મામલે મામલતદાર સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે તાલુકા સંકલન મિટિંગમાં આ રસ્તા માટે ચર્ચા કરાશે અને આ રસ્તાની સરપંચે રજૂઆત કરી હતી.