ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી 240 બેઠક સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અને એનડીએ ગઠબંધનને પૂર્ણ બહુમત સાથે 293 સીટ મળી હોવા છતાં ભાજપના નેતાઓ પરિણામને પચાવી શકતા નથી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાનો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. એવી જ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર વિવાદમાં આવ્યા છે. રત્નાકરે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી ચૂંટણી પરિણામ અંગે પોતાના મનમાં રહેલી ભડાસ વ્યક્ત કરી છે.
રત્નાકર થયા હતાશ: લોકસભામાં ભાજપને ઓછી બેઠકો આવતાં કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. વિકાસની રાજનીતિમાં ખોટ પડી હોવાથી રત્નાકર હતાશ થઈ ગયા હોવાનું તેમણે મૂકેલી પોસ્ટ પરથી લાગ્યું છે. તેમણે કુતરાની સરખામણી કોની સાથે કરી તેની લોકોમાં ભારે ચર્ચા હતી. રત્નાકરે સોશિયલ મીડિયા એક્સ પર તાજા બનેલા રોડ પર કૂતરાના પગલાંની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું કે, “કિતના ભી અચ્છા કામ કિયા ગયા હો, લેકિન કુછ લોગોં કા ઉસસે કોઈ લેના-દેના નહીં હોતા હૈ.” તેમણે આગળ લખ્યું છે કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ.”
રત્નાકરની પોસ્ટને લઈને વિવાદ:વિપક્ષોએ આ પોસ્ટને મતદારો સાથે સરખાવી ભાજપના નેતાને આડે હાથ લીધા છે. આ પોસ્ટના કારણે રત્નાકરના એકાઉન્ટ હેન્ડલ પર કોમેન્ટનો મારો પણ ચાલ્યો હતો. સોશિયલ મીડિયા વિવાદ વધુ વકરે તે પહેલાં રત્નાકરે આ પોસ્ટ થોડાં કલાકો પછી ડિલિટ કરી દીધી હતી. કર્મચારીઓ પણ આ પોસ્ટની મજા લઈ રહ્યાં હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રત્નાકરજીની પોસ્ટને લઈને કોમેન્ટનો મારો ચલાવવામાં આવ્યો હતો. રત્નાકરની પોસ્ટને લઈને વિવાદ થતા તેમણે અંતે આ પોસ્ટ ડીલીટ કરી હતી.