બોટાદ : સાળંગપુર ખાતે ભાજપની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેના સમાપન સમારોહમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મોદી સરકારની સિદ્ધિઓનું વર્ણન કરતા જણાવ્યું કે, મને પહેલી વખત લોકસભા ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે. ઉત્તર મુંબઈમાં ગુજરાતી સમાજની વસ્તી મોટી સંખ્યામાં છે. મારી જીત પાછળ ગુજરાતી લોકોનો સિંહ ફાળો છે.
કોંગ્રેસને આડે હાથ લીધું : પીયૂષ ગોયલે સંબોધન કરતાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જે લોકોને જનતાએ હરાવ્યા, એ લોકો આજે પણ જશ્ન મનાવે છે. પરિવારવાદ અને જૂથ પર કેટલાક નેતાઓની સોય અટકી જાય છે. એનો પરિચય આપણે હમણાં સંસદ સત્રમાં જોયો. જે વ્યક્તિ એ સમજી નથી શક્યા કે 13 રાજ્યમાં ખાતું નથી ખૂલી શક્યું, ચૂંટણીમાં પ્રદર્શન સારું નથી રહ્યું, એ બાળક બુદ્ધિ છે. જે રીતે ભાજપ અને NDA ના સમર્થનમાં સ્વીપ મળી છે. કેરળમાં ભાજપનો ઝંડો લહેરાય છે. 2 સીટ આવે તો પણ કેવી રીતે સત્તામાં આવી શકે છે એ આપણે જોયું છે.
કોંગ્રેસની અધોગતિ થશે : ગુજરાતે પણ આ જોયું છે. નરેન્દ્ર મોદીએ 20 વર્ષ દેશની સેવા કરવાની છે, દેશને નવી ઊંચાઈ પર લઈ જશે એ વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસ હજુ અધોગતિએ જશે અને ભાજપ નવી ઊંચાઈ પર જશે. UPA અને કોંગ્રેસ સરકારે દેશને 4 ટકા વિકાસ દર પર 2014 માં લાવીને છોડ્યો હતો. કોંગ્રેસના શાસનમાં મોંઘવારી ડબલ ડિજીટમાં પહોંચી હતી. દરેક ક્ષેત્રમાં ભારત કમજોર અર્થવ્યવસ્થા તરીકે વિશ્વમાં ઓળખાતું હતું. 2014 માં પ્રધાનમંત્રી જ્યારે સરકારમાં આવ્યા ત્યારે અમે શ્વેત પત્ર લાવીને વિશ્વને બતાવવું જોઈએ કે, આપણી સ્થિતિ શું છે ? ત્યારે પ્રધાનમંત્રી એમ બોલ્યા કે, આપણી કમજોરી બીજાને બતાવવી ન જોઈએ.
મોદી સરકારની સિદ્ધિ : જે રીતે મોતીની માળા હોય એ રીતે વ્યક્તિના જીવનના દરેક વિષય અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, તેમજ અનેકવિધ નવી યોજના પ્રધાનમંત્રી લાવ્યા છે. આજે 2014 થી 2024 માં ભારત જે રીતે મજબૂત બન્યું છે. ત્યારે આખી દુનિયા જોવે છે કે ભારત હવે ગરીબીમાંથી બહાર આવી ઝડપથી આગળ વધે છે. પીએમ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગને જીવનમાં તમામ સુવિધા મળે એની ચિંતા કરી અને દેશને નવા દ્રષ્ટિકોણથી આગળ વધારવાનું કામ કરે છે.
ગુજરાતની જનતાને આહવાન : આપણે દરેક કામ અંગે જનતા વચ્ચે જઈને લોકોને કહેવાનું છે, લોકોને જોડવાના છે અને દરેક લોકોને લાભ મળે એ રીતે ગુજરાત અને દેશના વિકાસમાં બધાએ જોડાવાનું છે. આવનારા દિવસોમાં વધુ 3 કરોડ લખપતિ દીદી બનાવવાની છે. આજે 2/3 લોકો યુવા છે. આવી યુવા શક્તિ બીજા કોઈ દેશ પાસે નથી. આવનારા દિવસોમાં 3 હજાર લાખ કરોડની અર્થવ્યવસ્થા ભારતની હશે.