સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાની નવાપરા,પીપોદરા, બોરસરા GIDCમાં હાલ ફરી કામદારો રસ્તા પર ઉતરી રહ્યા છે. આજરોજ વધુ એકવાર માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં કામદારો રસ્તા પર ઉતર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. કામદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, જ્યારે પણ કંપનીમાં કામ કરતી વેળાએ આકસ્મિક બનાવ બને ત્યારે કંપનીના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. ત્યારે કંપનીના સંચાલકો કામદારોની જવાબદારી લે તેવી માંગ કરી રહ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા ઘટના સ્થળે: આ બબાલ કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયા, જિલ્લા LCB PI આર.બી ભટોળ, SOG PI બી.જી ઈશરાણી, ઓ.કે જાડેજા, એમ.કે સ્વામી, વી.આર ચોસલા, એલ.જી રાઠોડ, વિજય સેગલ સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી GIDC રાબેતા મુજબ શરૂ કરી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સાથે બેઠક યોજવા માટેની કવાયત હાથ ધરી હતી. ત્યારે સમયસર પહોંચેલ પોલીસના કારણે વાતાવરણ ડહોળાયું ન હતું.
સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયા એ જણાવ્યું હતું કે, કામદારો ભેગા થયા હોવાની જાણ થતાં જ અમારી ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને કામદારોને સમજાવી ફરી GIDCની કંપનીઓ ચાલુ કરાવી હતી. હાલ મામલો થાળે પડી ગયો છે. કામદારોના પ્રશ્નોને લઈને કંપનીઓના સંચાલકો સાથે પણ બેઠકો યોજવામાં આવશે.
થોડા મહિના અગાઉ પોલીસ પર પણ પથ્થર મારો કર્યો: ઉલ્લેખનિય છે કે, થોડા મહિના અગાઉ માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસીમાં કામદારના મોતની ખોટી અફવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કામદારોએ હંગામો મચાવ્યો હતો. જેના કારણે GIDC બંધ કરાવી દીધી હતી. સ્થળ પર દોડી ગયેલ પોલીસ પર પણ પથ્થર મારો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. જેને લઇને વાતાવરણ તંગ બન્યું હતું. કામદારોના પથ્થરમારાના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.