કચ્છ: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજીમાં નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. જેમાં માંડવી તાલુકાના કલવાણ વાડી વિસ્તાર દૂધ મંડળી ખાતે સભાસદ જ્યોતિબેન ગોવિંદભાઈ ભુડિયાની ગાયમાં 18-7-2023ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને સફળતા મળતાં એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને 22 કિલો વજન ધરાવે છે.
માંડવીમાં 2 સફળ પ્રત્યારોપણ: ઉલ્લેખનિય છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર ET થી જન્મેલ આવી વાછરડીનું સારી રીતે જતન કરવાથી તે વધારે માત્રામાં દૂધ આપે છે.આ સાથે માંડવી તાલુકાની કલવાણ વાડી વિસ્તાર દૂધ મંડળીના સભાસદ મનીષાબેન શામજીભાઈ કેરાઈની ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ET 18-07-2023 ના રોજ ET કરવામાં આવ્યું, જે 02-05-2024 ના રોજ સફળતા મળતાં તંદુરસ્ત વાછરડાનો પણ જન્મ થયો છે. વાછરડો એકદમ તંદુરસ્ત છે અને 22.50 કિલો વજન ધરાવે છે.
NDDB ના સહયોગથી પાયલોટ પ્રોજેક્ટ: સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર NDDB ના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં માંડવી વિસ્તારમાં એક તંદુરસ્ત વાછરડી અને એક તંદુરસ્ત વાછરડાંનો જન્મ થયો છે.
અત્યાર સુધીમાં 51 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર: આ ઉપરાંત સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 51 જેટલી ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યા છે. જેના ટૂંક સમયમાં સારા પરિણામ મળશે તેવી આશા છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)થી જે વાછરડી જન્મ થયો છે તેનાથી ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને પણ વધુ નફો થશે.
ઓલાદ સુધારણા તેમજ પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં ઉપયોગી: એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં ગાયોની ઉત્કૃષ્ઠ ઓલાદોના બીજનો ઉપયોગ કરી,ઓલાદ સુધારણા તેમજ પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા ખૂબ ઉપયોગી બનતું હોય છે. દૈનિક 25 લીટરથી વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ એકઠા કરીને તેને સાંઢના બીજથી એનડીડીબીની લેબોરેટરીમાં ગર્ભ બનાવીને એચએફ ગાયમાં 9 મહિના પહેલા ટ્રાન્સફર કરીને તંદુરસ્ત કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં આવે છે.