બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી સાથે ક્યાંક ખુશી તો ક્યાક ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડગામ પંથકમાં ભારે પવને હવામાં પતરા ઉડાડયા તો ડીસામાં પવનથી જીવંત વીજ તાર તૂટી આઈસ્ક્રીમની લારી પર પડતા એકનું મોત થયું છે.
બનાસકાંઠામાં આજે બપોર બાદ અચાનક જ અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ પડ્યું હતું. જેમા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. વડગામ પંથકના જલોત્રા ગામે ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. જેમાં ખેતરોમાં બનાવેલા ઢાળિયા અને છાપરા અને પતરા ઉડ્યા હતા. સાથે જ ખેતરોમાં વાવેલા પાકનો પણ સોથ વળી જતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વીજ તાર તૂટી પડતા એક વ્યક્તિનું મોત
જોકે ડીસા પંથકમાં પવન સાથે આવેલા વરસાદના કારણે જીવંત વીજ તાર તૂટીને આઈસ્ક્રીમની લારી પર પડતાં રાજસ્થાનના બહાદુરસિંહ ઈશ્વરસિંહ સુડાવતને કરંટ લાગ્યો હતો ત્યારે તેમન હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થતા પરિજનોમાં શોકનું મોજુ ફરી વળી છે. રાજસ્થાનના બહાદુરસિંહ પરિવાર સાથે ડીસામાં આઈસ્ક્રીમનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જોકે વરસાદની સાથે આવેલા પવનના કારણે જીવંત વિજતાર આઇસ્ક્રીમની લારી પર પડ્યો હતો જેમાં તેમનું મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. ખેડૂતોએ ચોમાસુ વાવેલા પાક મુર્જાવવા લાગ્યો હતો ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોતા હતા ત્યારે વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લામાં બનતા ફરી એકવાર ચોમાસુ પાકને જીવન મળ્યું છે અને ખેડૂતોની ચિંતા પણ ઓછી થઈ છે.
એટલે કે ક્યાંક મેઘ મહેર સાથે ક્યાંક મેઘ કહેરના દ્રશ્યો બનાસકાંઠામાં સામે આવ્યા છે જેમાં એક રાજસ્થાનના પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો તો વડગામના જલોત્રા ગામે ભારે પવનના કારણે લોકોને નુકસાન સહન કરવું પડ્યું છે.