અમદાવાદઃ ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દાન આપનારા 'દાનવીરો'ના નામ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની અનેક કંપનીઓના નામ સામે આવ્યા છે. આ કંપનીઓએ ઈલેકટોરલ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન આપ્યું હતું. આવી 'દાનવીર' કંપનીઓમાં ટોરેન્ટ, ઝાયડસ, એલેમ્બિક, અરવિંદ અને નિરમા જેવી કંપનીનો સમાવેશ થાય છે.
2019થી 2024 વચ્ચે દાન અપાયુંઃ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે ઈલેકટોરલ બોન્ડના આંકડા ચૂંટણી પંચને સોંપ્યા હતા. એસબીઆઈએ ડેટા આપ્યો તેના બીજા જ દિવસે આ ડેટા ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. રાજકીય પક્ષોને દાન આપવામાં ગુજરાતની ટોચની કંપનીઓ પણ અગ્રણી હોવાની માહિતી મળી છે.
ગુજરાતી કંપનીઓએ 18,860 ઈલેકટોરલ બોન્ડ ખરીદ્યાઃ સુપ્રિમ કોર્ટમાં એસબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર લગભગ 18,860 જેટલા બોન્ડની ખરીદી ગુજરાતી કંપનીઓએ કરી હતી. પ્રાપ્ત માહિતિ અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે. રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ ચૂંટણી બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે ચૂંટણી બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
કુલ 22,271 બોન્ડની ખરીદીઃ એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એફિડેવિટમાં જણાવ્યુ કે, વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBIએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી હતી.
એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફોમ્સ(ADR)ના ગુજરાત સ્ટેટ કોર્ડિનેટર પંક્તિ જોગે જણાવ્યું હતું કે, એસબીઆઈ દ્વારા જમા કરાવવામાં આવેલા 337 પાનાના રીપોર્ટમાં કંપનીનું સરનામું દર્શાવાયું નથી. તેથી, કંપનીનું ચોક્કસ સરનામુ જાણી શકાય નહી. કંપની વીશે તેના નામના આધારે માહિતી મેળવવાનુ કામ ચાલી રહ્યું છે. દરેક કંપનીનુ નામ અને વિગત જાણીને એનાલીસિસ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ખરીદેલા બોન્ડ અને રાજકીય પક્ષને મળેલા બોન્ડ વચ્ચે અંતર છે. એક દિવસમાં બોન્ડના ખરીદ અને વેચાણના આંકડાઓ અલગ-અલગ છે. અમે ડેટા એનાલીસિસ કરી રહ્યા છીએ. થોડા દિવસોમાં રિપોર્ટ સાવર્જનિક કરવામાં આવશે.