ભાવનગર: ગુજરાતમાં આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાઓમાં ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કમર કસવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના પ્રમુખો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપે હાલ નવા પ્રમુખો માટે પ્રાથમિક કાર્યવાહી કરી છે. પરંતુ બંને પક્ષ વચ્ચેની રણનીતિ શું છે, તે જાણવાનો પ્રયત્ન ETV BHARATની ટીમે કર્યો છે.
આગામી દિવસોમાં ભાજપ નવા પ્રમુખો નિમશે: ભાવનગર જિલ્લાની ગારીયાધાર 28 બેઠક, તળાજા 28 બેઠક અને સિહોરની 36 બેઠક નગરપાલિકાઓમાં છે. ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી થવાની છે. ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી. મકવાણાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા અને શહેર મંડળોને લઈને પ્રમુખની દાવેદારી કરતા 140 જેટલા ફોર્મ આવ્યા છે, જેને પ્રદેશમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે, આ પ્રમુખોની નિમણૂક પહેલી વખત પ્રદેશ કક્ષાએથી જાહેર થવાની છે. નવા પ્રભારી પણ આગામી દિવસોમાં નિમવામાં આવશે.
વિપક્ષના વાર વચ્ચે નગરપાલિકામાં જીતની આશા: જિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા જણાવ્યું કે, તળાજા અને શિહોરમાં ગયા વર્ષની ચૂંટણીમાં ભાજપને માત્ર 2 સીટનો તફાવત રહ્યો છે. પરંતુ આ વર્ષે અમારી મહેનત છે અને વધારે સીટો આવવાની છે. જો કે, વિપક્ષની ભૂમિકા છે કે, તેને પોતાનો વિરોધ નોંધાવવાનો છે. પરંતુ અમે લોકોની વચ્ચે જઈને લોકોના કામ કર્યા છે. જેથી અમારી આગામી ચૂંટણીમાં બહુમતીથી જીત થવાની છે. હાલ જોઈએ તો તળાજા, સિહોર અને ગારીયાધાર જેવી નગરપાલિકામાં પ્રમુખોની દાવેદારી માટે 3 થી 10 વચ્ચેની સંખ્યામાં ફોર્મ આવ્યા છે. ચૂંટણી પહેલા ભાજપ પણ પોતાનું નવું સંગઠન શહેર અને તાલુકા કક્ષાએ જાહેર કરશે.
નગરપાલિકા માટે કમરકસતી કોંગ્રેસ: ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નગરપાલિકામાં બે જગ્યા ખાલી હતી. ત્યાં તમે પ્રમુખો બદલાવી નવા નિયુક્ત કર્યા છે અને નગરપાલિકા પર હાલ કોંગ્રેસનું ધ્યાન છે. ભાવનગર જિલ્લામાં 3 નગરપાલિકા આવે છે. જે ગારીયાધાર, શિહોર અને તળાજા. આજની તારીખમાં અમારા AICCના પ્રભારી ભાવનગરમાં છે અને આજે ગારીયાધારમાં મિટિંગમાં શામેલ થયા છે. બપોર પછી તળાજા અને બીજા દિવસે તેઓ શિહોર જશે. અમે 3 નગરપાલિકાઓમાં પ્રભારી પણ જિલ્લા કક્ષાએ મૂકી દીધા છે અને એ લોકો ત્યાં જ રહેશે અને ત્રણે ત્રણ નગરપાલિકામાં અત્યારે સારામાં સારી અમારા કામગીરી કરી રહ્યા છે.
ગારીયાધારમાં આપ સાથે કોંગ્રેસનું ગઠબંધન: રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે આપણી પાસે એક પણ નગરપાલિકા નથી. 2 નગરપાલિકામાં આપણી અને સત્તાને બે બે સીટનો તફાવત છે. તે પણ અમે નગરપાલિકા કબજે કરી લઈશું. ગારીયાધારમાં અમે આપ સાથે ગઠબંધન કરી છે એટલે ત્યાં પણ અમારી પાર્ટી નગરપાલિકામાં બેસવાની છે. વધુમાં જણાવ્યું હતું કે, તળાજા અને શિહોર જેમાં ખાસ કરીને ઓછા વર્ગના વોર્ડ છે. એમાં ટિકિટ વહેંચવામાં થોડી કચાશ રહી ગઇ હતી. તળાજામાં 3 નંબર અને 8 નંબર એ બરાબર મજબૂત કર્યું છે અને અમારા પ્રમુખને પણ આદેશ આપ્યો છે કે, ત્યાં વધારે કામ કરો અને ત્યાં તેઓ કામ કરી રહ્યા છે.
કોંગ્રેસનો વસવસો વ્હાઈટ કોલર અમારી સાથે: રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, મુદ્દામાં તો નગરપાલિકામાં અત્યારે અંધેર તંત્ર છે. પાણી સમયસર મળતું નથી, ક્યાંય ચોખ્ખાઇ નથી, સફાઈનું નામોનિશાન નથી અને નગરપાલિકાના તમામ રસ્તાઓ સાવ સદંતર બિસ્માર હાલતમાં તૂટી ગયા છે. નગરપાલિકામાં સરકારી તંત્ર કામ કરે છે. તો કામમાં પણ એમની ભાગીદારી હોય છે. કોઈ કામ ન કરો અને એમનેમ બિલ લો અત્યારે આવું ચાલી રહ્યું છે, પ્રજા પણ થાકી ગઈ છે. હું 2 દિવસ પહેલા તળાજાની મુલાકાતે હતો. ત્યાંના ભાજપના આગેવાનો કહેતા હતા કે, વ્યાપારીને વ્હાઇટ કોલર કહેવાય. એ અમને જણાવે છે કે, દુકાન સામે 8 મહિનાથી કચરો છે, જેનું કાંઇ કામ નથી થતું.
આ પણ વાંચો: