આણંદ : લોકસભા ચૂંટણી 2024 ના પડઘમ વાગી ચૂક્યા છે. દેશમાં ઘણા પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ 6 સ્થળ પર સભાને સંબોધન કરશે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ : હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો એક કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં આગામી 1 અને 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 6 સ્થળ પર મતદારોને સંબોધન કરવા સભા યોજશે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાનના કાર્યક્રમમાં ડીસા, હિંમતનગર, આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગર દક્ષિણ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે.
આણંદના આંગણે મોદી : વડાપ્રધાન મોદી 1 મે, બુધવારના રોજ બે સ્થળ પર સભાને સંબોધન કરશે. જેમાં ડીસા અને હિંમતનગરમાં સભા યોજાશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસ એટલે 2 મે, ગુરુવારે સવારે 11 કલાકે આણંદ પાસે આવેલ શિક્ષણનગરી વિદ્યાનગરમાં આવેલ શાસ્ત્રી મેદાનમાં સભા યોજીને આણંદ અને ખેડા લોકસભા મત વિસ્તારના મતદારો અને નાગરિકોને સંબોધન કરશે.
ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ : ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે સ્ટાર પ્રચારકો પ્રચાર માટે આવતા હોય છે. ત્યારે આણંદ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર સભાનું આયોજન કરવા આવતા ઉમેદવારો અને કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં યોજાનારી સભાને લઈને મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાહેર સભા માટે તૈયારી : હાલ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થાય તે માટે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયા છે. તો બીજી તરફ સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા અને આયોજન જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી હોવાના સંકેત જોવા મળી રહ્યા છે.