ભરૂચ : બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કારનો જનતાનો મિજાજ દેખાયો છે. ભરૂચ તાલુકાના અને અંકલેશ્વર તાલુકાની જમીન સંપાદનના વળતરના મુદ્દાને લઈને કુલ 32 જેટલા ગામના લોકો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કારના બેનરો લાગ્યા છે..વળતર નહીં તો વોટ નહીંની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ વે પ્રોજક્ટમાં ગયેલી જમીનના યોગ્ય વળતર ન મળતા 32 ગામોમાં ચૂંટણીના બહિષ્કારના બેનરો લાગ્યાં છે. કોઈપણ નેતા કે પાર્ટીના આગેવાનોએ વોટ માંગવા આવવું નહીં..જો અમારી વળતરની માંગ નહીં સ્વીકારાય તો ભાજપને છોડીને આપ પાર્ટીને મત આપીશું. 32 ગામના ખેડૂતોએ વળતરને લઈને 56વાર ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપી ચૂક્યા છે. નીતિન ગડકરી સાથે પણ વળતરના મુદ્દે મીટીંગ કરી ચૂક્યા છે છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી તેવું જણાવતાં લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું : ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે. એક્સપ્રેસ હાઈવે ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડળ થયા છે. જુના દિવા પુનગામ સહિતના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચુકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે.
અમારી જમીન બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ પ્રોજેક્ટમાં ગઈ છે. જે રીતે સુરત નવસારી અને વલસાડને જંત્રી પ્રમાણે ભાવો ચૂકવવામાં આવ્યા છે તે જ પ્રમાણે અમારી જમીનના જંત્રીના ભાવો પણ એ જ પ્રમાણે ચૂકવવામાં આવે અને અમારી વળતરની ચુકવણી કરવામાં આવે તે માટે સરકારને અનુરોધ અનેકવાર કર્યા છે. તેમ છતાં હજી સુધી અમારી માંગણીનો પ્રશ્ન હલ થયો નથી. જેને લઇને અમે લોકસભાની ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો છે અને 32 ગામના ખેડૂતો દ્વારા નેતાઓને પ્રવેશબંધી અંગેના બેનરોપણ લગાવ્યા છે...જ્યોતિબેન ( અસરગ્રસ્ત મહિલા ખેડૂત )
3500થી વધુ ખેડૂત અસરગ્રસ્ત : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો અને રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણે જ ખેડૂતોએ પોતાના ગામેગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત વલસાડ કે નવસારી જાવ અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા કેટલા સમયથી અમે અમારી જમીન સંપાદન થઈ છે તેના વળતરને લઈને સરકારને અને કલેકટરને 56થી વધુ વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે, તેમ છતાં પણ અમારી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેને લઈને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના 32 ગામના ખેડૂતો આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અથવા તો અમે ભાજપ સરકારના વિરોધમાં જઈને આમ આદમી પાર્ટીને સમર્થન આપીશું અને તેને મત આપીશું...પ્રજેષ પટેલ ( અસરગ્રસ્ત ખેડૂત )