આણંદ : લોકસભા ચૂંટણી 2024 માટે આણંદ લોકસભા બેઠક ઉપર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય કુલ 10 ઉમેદવારોએ 18 ઉમેદવારી પત્ર ભર્યા હતા. ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારના ફોર્મ રદ થતા આણંદ લોકસભા બેઠક પર હવે કુલ 7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
કેટલા ફોર્મ રદ થયા ? લોકસભા ચૂંટણી 2024 માટે આણંદ લોકસભા બેઠક પરથી 10 જેટલા ઉમેદવારોએ 18 જેટલા ઉમેદવારી પત્ર ભર્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, પરંતુ કોઈ ફોર્મ પરત ખેંચાયા નથી. આણંદ બેઠક માટે ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારીએ ફોર્મની ચકાસણી કરી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોનું ફોર્મ રદ થયા હતા. સાથે એક અપક્ષ ઉમેદવાર સમય રહેતા એફિડેવિટ રજૂ ન કરી શકતા તેમનું ફોર્મ પણ રદ થયું હતું.
આ છે તમારા ઉમેદવાર : હવે આણંદ લોકસભા બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આગામી લોકસભા ચૂંટણી માટે કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના મિતેશ પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા, BSP ના સુરેશ પટેલ, ગરીબ કલ્યાણ પાર્ટીના ધીરજકુમાર ક્ષત્રિય, રાઈટ ટુ રીકોલ પાર્ટીના સુનીલકુમાર ભટ્ટ તથા અપક્ષમાંથી કેયુર પટેલ અને આશિષકુમાર ભોઈનો સમાવેશ થાય છે.
પાટીદાર vs ક્ષત્રિય : આણંદ બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને રીપીટ કર્યા છે. સામે પક્ષે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. એ જોતા આણંદ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં પણ પાટીદાર સામે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યાનું સમીકરણ યથાવત રહ્યું છે.