નવસારી : ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી. વડોદરા હરણી તળાવમાં બાળકોની ચીસો હજુ ગુંજી રહી છે. તાપી જિલ્લામાં શાળાનો સ્લેબ તૂટી પડતાં વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા છે. નવસારી જિલ્લામાં પણ અનેક બાંધકામ સ્થળો ઉપર સેફ્ટી વિના કામગીરી થતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે ફરી એકવાર સરકારી ઇમારતના બાંધકામમાં બેદરકારી છતી થઈ છે.
એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીને રુ. 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઈજારો મળ્યો હતો. જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આઠ જેટલા મજૂરો ઘાયલ થયા હતા.
સ્લેબ તૂટી પડવાના કારણે મજૂરો ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે અને તેઓની સ્થિતિ હવે સામાન્ય છે. સ્લેબ તૂટી પડ્યો તેની ટેકનીકલ તપાસ હાથ ધરવામાં આવશે અને એજન્સીની ભૂલ હશે તો એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. -- નરેશ પટેલ (ધારાસભ્ય, ગણદેવી)
આઠ મજદૂર ઘાયલ : ઘટનાની જાણ થતા જ સ્થાનિક અધિકારીઓ અને ધારાસભ્ય નરેશ પટેલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘાયલ કામદારોને ચીખલીની રેફરલ તથા આલીપર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત આ ઘટના અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે. મજૂરોના જીવ જોખમમાં મુકનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાય તો તેમની વિરુદ્ધ કડકાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી વહીવટી તંત્રએ આપી છે.
નબળી કામગીરીનું પરિણામ ? સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, આ કામગીરીમાં સેન્ટીંગનું કામ બરાબર ન થયું હોવાથી સ્લેબ ભરાતો હતો તે દરમિયાન ટેકા વજન ખમી ન શકતા તૂટી પડ્યા હતા. જેના કારણે આ ઘટના બની હતી. ચીખલી તાલુકામાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થતા આઠ મજૂરો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
વહીવટી તંત્રની કામગીરી : ચીખલીના પ્રાંત અધિકારી મુકેશ પટેલે જણાવ્યું કે, ચીખલી એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થવાના કારણે આઠ મજૂરો ઘાયલ થયા હતા. જે તમામને તાત્કાલિક સારવાર માટે ચીખલીની રેફરલ અને આલીપોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ સાથે સારવાર હાથ ધરવામાં આવી છે, તેઓની સ્થિતિ હાલ સ્થિર છે.