અમરેલી: અમરેલી જિલ્લાના સાવર કુંડલા ખાતે દિવાળી તહેવારોને છેલ્લા રવિવારે સાંજે લોકો તહેવારોની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના 5. 20 કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
દિવાળીના તહેવારોનો છેલ્લો રવિવાર હોય બજારમાં ખરીદીનો ધમધમાટ હતો. ઉપરાંત કેટલાંક ઘરોમાં સાફ-સફાઈનું કામ ચાલતું હતું, ત્યારે જ ભારે જણજણાટી વાળો આંચકો અનુભવાતા લોકો ડરના માર્યા બહાર દોડી આવ્યા હતા. સાવરકુંડલા પંથકના મીતીયાળા, ધજડી, સાકરપરા, સહિતના ગામોમાં ભૂકંપના આંચકાથી ધણધણી ઊઠયા હતા.
ક્યાં ક્યા અનુભવાયો ભૂકંપનો આંચકો: અમરેલી જિલ્લાના ધારી, ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજના 5.16 મિનિટ અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી ઉઠી હતી. ધારી ગીરના ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા. સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7નો આંચકો અનુભવ્યો હોવાની માહિતી આપી છે.
ભૂકંપના આંચકાથી લોકોમાં ભય: ભૂકંપના આંચકા અનુભવાયેલા લોકોને ભયંકર ધરતી કંપની યાદ તાજી થઈ ગઈ હતી. ચિંતાગ્રસ્ત લોકો પોતપોતાના સગા સંબંધીઓને ફોન મારફત સમાચાર પૂછવા લાગ્યા હતા.