વલસાડ: સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં જૂનની તારીખ 10 થી 15 દરમિયાન ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. ત્યારે આજે તારીખ 9 ના રોજ વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી હતી.
હાટ બજારના વેપારીને વરસાદને કારણે હાલાકી: આજે વહેલી સવારે પડેલા વરસાદને કારણે હાટ બજાર જ્યાં સમાન્ય વેપારીઓ શાકભાજીના વેચાણ અર્થે કે ગ્રાહકો શાકભાજી ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આવા સમયે વરસાદ આવી ચડતા અનેક વેપારીઓ જે નીચે પાથરણાં પાથરી શાકભાજી વેચાણ કરતા હોય તેઓને વરસાદના પાણીથી શાકભાજી બચાવવા માટે દોડધામ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત સૂકી માછલીઓ વેચનારી મહિલાઓની હાલત પણ દયનીય બની હતી. વરસાદી પાણી સૂકી માછલીઓમાં પડે તો તેમાં સીધા કીડા પડી જતાં હોય છે ત્યારે આવા સમયે માછલીઓને બચાવવા માટે પ્લાસ્ટિકથી વસ્તુઓ ઢાંકતા જોવા મળ્યા હતા.
ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી: વહેલી સવારે સતત 30 મિનિટ સુધી એકધારો વરસાદ વરસતા છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. જ્યારે ખેડૂતો પણ ખેતરો ખેડવા માટે જોતરાઈ ગયા હતા. તેમજ વ્યાપક વરસાદ શરૂ થાય તો તેઓ પણ ડાંગરની ખેતી તરફ જોડાય એવી આશા સેવી રહ્યા હતા.
જીવન જરુરિયાતની તમામ વસ્તુઓ હાટ બજારમાં મળી આવે: વલસાડના વિવિધ અંતરિયાળ ગામોમાં હટ બજાર અઠવાડિયામાં દરેક દિવસે વિવિધ ગામોમાં નક્કી કરેલા હોય છે. જ્યાં તે વહેલી સવારે સાત વાગ્યાથી લઈ બપોરના 1:00 વાગ્યા સુધી ભરાય છે. જેમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મસાલા, અથાણા, પાપડ, શાકભાજી અને કરિયાણું સહિતની તમામ ચીજ વસ્તુઓ એક જ સ્થળે મળી જતી હોય છે. જેથી ગ્રામીણ કક્ષાના લોકોને શહેરી વિસ્તારમાં નહીં પરંતુ હાટ બજારમાંથી ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. આમ વલસાડ જિલ્લામાં વહેલી સવારે પડેલા વરસાદે હાટ બજારમાં વેપારીઓને દોડતા કરી દીધા હતા તો બીજી તરફ ખેડૂતો ખેતરોમાં ખેતી કરવા માટે પણ જોતરાયેલા જોવા મળ્યા હતા.