વલસાડ: દક્ષિણ ગુજરાતના ઉમરગામ વલસાડ સહિતમાં જૂન માસની 15 થી 20 તારીખ દરમ્યાન વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય છે. તેમ છતાં એ પૂર્વે પણ મેઘરાજા એકાદ વાર પોતાની હાજરી આપી જતા હોય છે. ત્યારે આજે વલસાડ અને તેની આસપાસના ગામોમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
વરસાદને પગલે ખેડૂતોમાં વધી ચિંતા: હાલ 15 જૂન સુધીમાં કેરીના મોટાભાગના ખેડૂતો આંબેથી કેરી ઉતારી લેવા માટે ઉતાવળા હોય છે, અને હાલ એ સમય ગાળો ચાલી રહ્યો છે કારણ કે જો આ સમયમાં વરસાદ થાય તો કેરીના પાકને નુકશાન થવાની પૂરે પૂરી શક્યતા છે. ત્યારે આજે વહેલી સવારે વરસેલા વરસાદને પગલે ખેડૂતોને મુશ્કેલી થઈ તેમજ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. કારણ કે હજુ પણ 50 ટકા કેરીનો પાક આંબાની વાડીઓ ઝૂલી રહ્યો .છે ત્યારે એવામાં પડેલા વરસાદે ખેડૂતોમાં ચિંતા વધારી છે.
ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતરી ગયા: કપરાડા અને ધરમપુર બોર્ડરના એવા 40 થી વધુ ગામો છે. જ્યાં મે મહિનો શરૂ થતાં જ હેન્ડ પંપ, કુવા કે નદીના જલ સ્તર સુકાઈ જાય છે. અને ભૂગર્ભમાં નીચે ઊંડે ઉતરી જાય છે. જ્યાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડે છે. ત્યારે આવા સમયે અહીંના લોકો ચોક્કસ પણે એવું ઈચ્છે છે કે મેઘરાજા વરસે અને ઊંડે ઉતરેલા જળસ્તર ઉપર આવે.
વલસાડની આસપાસના ગામોમાં વરસાદ: વલસાડ શહેરના તેમજ તેમની આસપાસના મોટાભાગના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્યો છે. જેના કારણે પડી રહેલી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. અનેક સ્થળે વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા. વલસાડના મૂળી, ઝુઝવા, પાથરી, કાંજણ, રણછોડ, લીલાપોર અને ભગડાવાળા જેવા અનેક ગામોમાં સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આમ વલસાડમાં વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રી થતાં ટાઢક વળી પરંતુ આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.