જૂનાગઢ: દશેરાના તહેવારે ફાફડા જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અનોખી રીતે તૈયાર થતા પંજા ગાંઠીયા સ્વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. આ ગાંઠીયા વજનથી નહીં પરંતુ નંગથી વેચાઈ રહ્યા છે. જેને ખરીદવા માટે સમગ્ર વર્ષ દરમિયાન લોકોની વિશેષ ભીડ જોવા મળે છે. પંજા ગાઠીયા માણાવદરથી લઈને છેક હોંગકોંગ સુધી પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.
માણાવદરમાં પ્રખ્યાત અનોખા પંજા ગાંઠીયા: દશેરાના તહેવારે ફાફડા અને જલેબી આરોગવાનું એક વિશેષ ચલણ જોવા મળતું હોય છે. સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અનોખી રીતે બનતા પંજા ગાંઠીયા સ્વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. ફાફડાને મળતા આવતા પંજા ગાંઠિયાનો આકાર હાથના પંજા જેવો હોવાને કારણે તેને પંજા ગાંઠિયાનું ઉપનામ મળ્યું છે. જે માત્ર જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જ જોવા અને ચાખવા મળે છે.
પંજા ગાંઠીયા નંગના હિસાબે વેચાય છે: સામાન્ય રીતે દરેક જગ્યા પર ગાંઠીયા વજનથી વેચાતા જોવા મળે છે, પરંતુ માણાવદરમાં બનતા પંજા ગાંઠીયા નંગના ભાવે વેચાય છે. માણાવદરના કેટલાક ઉદ્યોગકારો હોંગકોંગમાં અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી કરીને આ ઉદ્યોગકારો તેમના વતન માણાવદર આવે ત્યારે ખાસ પંજા ગાંઠીયા હોગકોગ સુધી પણ પહોંચાડે છે. પંજા ગાંઠીયા બનાવવા માટે સામાન્ય રીતે ચણાનો લોટ, નમક, ખાવાના સોડા, અજમા, હિંગ, કાળા મરી અને જીરું જેવા શુકા મસાલાથી ગાંઠિયાને વધારે સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. કાચા પપૈયાનો અને શિયાળા દરમિયાન ગાજર અને કોબીની સાથે ચીભડાનો સંભારો પર પંજા ગાંઠિયાના સ્વાદમાં અનેક ગણો વધારો કરે છે.
એક ગાંઠિયાની કિંમત 20 રૂપિયા: ખાસ માણાવદરમાં પાછલા 30 વર્ષથી બનતા પંજા ગાંઠીયા એક નંગના રૂ. 20 ના ભાવે વેચાઈ રહ્યા છે. દિવસ દરમિયાન 200 નંગ ગાંઠિયા લોકો સવારે નાસ્તા તરીકે ઝાપટી જાય છે, તો 50 નંગ કરતા વધારે પંજા ગાંઠીયા પાર્સલ રૂપે પણ લોકો તેના ઘરે લઈ જાય છે. આમ દિવસ દરમિયાન 250 થી 300 નંગ પંજા ગાંઠિયાનો સરેરાશ વેપાર સવારના ત્રણ કલાક દરમિયાન થાય છે. માણાવદર અને આસપાસના ગામડાના લોકો પણ પંજા ગાંઠિયાનો સ્વાદ માણવા માટે વહેલી સવારે ખાસ માણાવદર આવે છે.
આ પણ વાંચો: