સુરત : શહેરના કતારગામ વિસ્તારમા દિવ્યાંગ મહિલા નોકરીએ જઈ રહી હતી. ત્યારે અચાનક બેફામ દોડી રહેલા ડમ્પરે મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા. ડમ્પર ચાલકને સ્થાનિકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આવી ઘટનાથી નારાજ લોકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. કતારગામ પોલીસે સમગ્ર મામલે ડમ્પરચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દિવ્યાંગ મહિલાનું મોત નીપજતા તેમની 16 વર્ષીય દીકરી નિરાધાર બની છે.
શું છે સમગ્ર મામલો: સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા કિરણ હોસ્પિટલ નજીક ડમ્પર ચાલકે દિવ્યાંગ મહિલાને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટના બની ત્યારે લોકો એકત્ર થઈ ગયા હતા. ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થાય તે પહેલા આજે લોકોએ ડમ્પરચાલકને પકડી પાડી પોલીસના હવાલે કરી દીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલકને માર પણ માર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યા હતા કે ડમ્પર ચાલક નશામાં હતો જેથી પોલીસ તાત્કાલિક તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.
16 વર્ષની દીકરી બની નિરાધાર: સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષા બારોટ પરિવાર સાથે રહેતા હતા. મૃતક મહિલા દિવ્યાંગ હતા અને તેમના પતિનું દસ વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા મનીષાની એક દીકરી છે કે જે હાલ નિરાધાર બની છે. મનીષાની દીકરી 16 વર્ષની છે તે હાલમાં આજે ધોરણ 10ની પરીક્ષા આપી છે. મનીષાબેન પરિવારનું ગુજરાન ચલાવવા માટે રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. પતિના અવસાન બાદ તેઓ જ દીકરીની સંભાળ કરી રહ્યા હતા. મનીષાબેન નોકરી પર જવા માટે ઘરેથી મોપેડ લઈને નીકળ્યા હતા તે દરમિયાન કતારગામ નજીક કિરણ હોસ્પિટલ પાસે અચાનક જ ફૂટપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે તેમને અડફટે લીધા હતા. ઘટના સ્થળે જે તેમનું મોત નીપજ્યું હતું.
ચાલક નશામાં હતો કે નહીં તે મેડિકલ ચેકઅપ પછી જે જાણ થશે: કતારગામના પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ચૌધરીએ જણાવ્યું હતું કે,પાલિકાના ડમ્પરે એકટીવા ચાલકને લેતા તેમનું મોત નીપજ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. કાયદેસરની જે પણ કાર્યવાહી છે હાલ આ પોલીસે શરૂ કરી છે. ડમ્પર ચાલક નશામાં હતો કે નહીં તે મેડિકલ ચેકઅપ પછી જે જાણ થશે. પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે કે તેની પાસે લાયસન્સ છે કે નહીં.