કચ્છ: હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં ભારેથી ભારે વરસાદ વરસવાના લીધે જનજીવનને ભારે અસર પહોંચી છે. 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના પોશ વિસ્તારમાં પાણી ભરાયાં છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છમાં આખી રાત ભારે વરસાદ અને પવન બાદ સવારથી માત્ર પવનની હાજરી જોવા મળી હતી અને ઝરમર વરસાદ જ જોવા મળ્યો હતો.
લોકોની આર્મી ટીમ દ્વારા રેસ્ક્યું: માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની ગતિ હજુ પણ તેજ થઈ રહી છે. વહેલી સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર તરફ કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટર દૂર આગળ વધ્યું હતું. પરંતુ ભારત-પાકિસ્તાન નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન સાયકલોનમાં ફેરવાઈને દરિયામાં વધુ મજબૂત બની ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા , ધારાસભ્ય અનિરુદ્ધ દવે, SDRF ની ટીમ, NDRF ની ટીમ તેમજ આર્મીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યું કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાત્રે પણ લોકોનું આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.
100 લોકોને સલામત સ્થળે ખસેડાયા: અત્યાર સુધીમાં આર્મીની ટીમ દ્વારા 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બોટ મારફતે લોકોને સ્થળાંતરિત કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય અને માંડવી નગરપાલિકાના નગરસેવકો દ્વારા ફૂડ પેકેટ પણ આપવામાં આવી રહ્યા છે. લોકોને હજુ 2 દિવસ સાવચેતી રાખવા તેમજ જરૂર ન હોય તો ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોના ઘરમાં પહેલા માળ સુધી પાણી ભરાયાં છે. વાહનો પણ ભારે પાણીમાં તણાઈ રહ્યા છે. આર્મીની ટીમ દ્વારા વારાફરતી તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનિય ઘટના ના ઘટી હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.