અમદાવાદ: શહેરમા ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધતી જઇ રહી છે. ત્યારે વિદેશથી આવેલા પાર્સલમાંથી 1.15 કરોડના હાઇબ્રીડ ગાંજાના 14 પેકેડ મળી આવ્યા છે. આ પેકેટ કેનેડા,અમેરીકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. જેની વિગતો અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓને મળતાં તેમણે સંયુક્ત ઓપરેશન કરી આ જથ્થો ઝડપી લીધો છે. ગાંજો બાળકોના રમકડાં. ટેડી બીયર લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો. આ પેકેટ જેના નામના હતા તેમની તપાસ ચાલી રહી છે. જો કે તે તમામના નામ અને સરનામા ખોટા હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે હવે આ સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી છે.
ગાંજાના 14 જેટલા પાર્સલ મળી આવ્યા: અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટસ્મના અધિકારીઓેને માહીતી મળી હતી કે, વિદેશથી મોટા પ્રમાણમાં હાઇબ્રીડ ગાંજો પાર્સલ દ્વારા અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યો છે. જેને પગલે અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા. અને ત્યારબાદ શંકાસ્પદ પાર્સલની તપાસ શરૂ કરી હતી. ત્યારે કેનેડા, થાઇલેન્ડ અને અમેરીકાથી આવેલા 14 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પાર્સલમાં બાળકોના રમકડા, ટેડી બીયર, વિટામીન કેન્ડી તથા લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસ હતા, પરંતુ તેની તપાસ કરતાં આ વસ્તુઓમાંથી છુપાવેલા હાઇબ્રીડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા.
ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયો: તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારમાં એક ગ્રામ હાઇબ્રીડ ગાંજાની કિંમત 3 હજાર રૂપિયા છે. તેથી મળી આવેલ હાઇબ્રીડ ગાંજાની બજાર કિંમત 1.15 કરોડ થાય છે. હવે આ પેકેટ જેમણે મોકલ્યા છે તેની તપાસ કરવા ઉપરાંત જેમના નામે મોકલવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે. ગાંજો ખોટા નામ અને સરનામે મોકલવામાં આવ્યો હોવાનું સાબિત થઇ રહ્યુ છે. રીસીવરના નંબર પણ ખોટા છે. અહી ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા જ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમના નામે મોકલવામાં આવ્યો હતો તે નામ ખોટા હતા. પેડલર પોસ્ટ મેનનો નંબર મેળવી ઓનલાઇન ટ્રેક કરી તેને રસ્તામા જ મળીને પાર્સલ લઇ લેતા હોવાની વિગતો સામે આવી છે.
ભૂતકાળમાં પકડ્યા આરોપીઓ સાથે પણ પૂછપરછ: અન્ય માહિતી મળતા જાણવા મળે છે કે, હાઇબ્રીડ ગાંજાની આ તશકરીમાં 3 અમદાવાદથી, 1 વાપીથી, 1 સુરતથી ડ્રગના પેકેટ મળી આવ્યા છે. કસ્ટમ અને ક્રાઈમ બ્રાંચના આ સંયુક્ત ઑપરેશનમાં ભૂતકાળમાં પકડ્યા આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાંથી 5 એડ્રેસ સામે આવ્યા છે. અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીઓ યુથને ટાર્ગેટ બનાવીને ડ્રગ વેચાણ કરતા હતા. આ સાથે જાણવા મળ્યું છે કે,થાઇલેન્ડથી 1 પાર્સલ આવ્યું હતું જે અમદાવાદ, સુરત, તાપી, પાલનપુરમાં પાર્સલ જવાના હતા. અને USથી 11 પાર્સલ, કેનેડાથી 2 પાર્સલ આવ્યા હતા. જેને કબજે કરવામાં આવ્યા છે.