વાપી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વલસાડના ડો. યઝદી ઈટાલિયાને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે. વલસાડ રકતદાન કેન્દ્ર સાથે સંકળાયેલા 72 વર્ષિય ડો. યઝદી માણેકશા ઈટાલિયા મૂળ ચીખલીના એક પારસી પરિવારમાંથી આવે છે. તેમણે મુંબઇની ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાંથી પદવી મેળવી હતી. તેમણે ઈ.સ. 1978માં વલસાડ ખાતે પ્રથમ સિકલસેલ ડીસીઝના દર્દીનું નિદાન કર્યુ હતું. ત્યારબાદ તેમણે ગરીબ અને આદિવાસી સમુદાયમાં વિનામૂલ્યે સ્ક્રિનીંગ શરુ કર્યું હતું અને સિકલસેલ એનિમીયા અંગે જનજાગૃતિ લાવવાનું શરુ કર્યું હતું.

વધુમાં વધુ કામ કરવાની કટિબદ્ધતા: આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર યઝદી માણેકશા ઇટાલિયાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સિકલસેલના દર્દીઓ પહેલા ઇગ્નોર થતા હતા. તેમનું ડાયગ્નોસીસ થતું નહોતું તે બધા માટે ગુજરાત સરકારે 2006 થી શરૂઆત કરી 2016 માં નેશનલ હેલ્થ મિશન દ્વારા પુરા રાષ્ટ્રમાં કાર્યક્રમો કર્યા છે. મિશન મોર હેઠળ 2047 સુધીમાં આ ડીસીઝને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. જેનાથી આ ડીસીઝ ધરાવતા આદિવાસી ગરીબ દર્દીઓને લાભ થશે.

તબીબી ક્ષેત્રે યોગદાન: ડૉ.યઝદીએ ઉમેર્યું હતું કે, ગામડાઓમાં આ દર્દીઓ વધુ છે જે બદલ સરકારે તેની નોંધ લીધી છે, અને જે સન્માન કરવામાં કર્યુ છે. આવા કાર્યનો અમલ કરવામાં આવે છે તે આનંદની વાત છે. નરેન્દ્ર મોદીએ સૌથી સારું કરવાની ભલામણ કરી હતી. સિકલ સેલનો 1978 માં પ્રથમ કેસ મળ્યો હતો તે પહેલા આ અંગે તબીબો અને સરકાર અજાણ હતી. જો કે તે બાદ હાલમાં 2023 સુધીમાં તમામ દર્દીઓના ડાયગ્નોસીસ થઈ રહ્યા છે. ગુજરાતમાં 99 લાખ દર્દીઓમાંથી 30,000 દર્દીઓ સિકલસેલના રોગીઓ છે. તેઓને હાલ ગુજરાત સરકાર દ્વારા મફત સારવાર પુરી પાડવામાં આવે છે. એ જ રીતે 60 લાખ 77 હજાર દર્દીઓને મેરેજ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે.
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર યઝદી ઇટાલિયાએ આ સેવા દરમિયાન એક લેબોરેટરીની શરૂઆત પણ કરી હતી. જેમાં વલસાડની અન્ય એનજીઓનો પણ સહયોગ મળી રહ્યો છે. જેઓના સહકારથી સિકલ સેલ અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ રહ્યા છીએ.