પાટણ: પાટણ શહેર એક ઐતિહાસિક વિરાસતોથી ઓળખાતું શહેર છે, જ્યાંની રાણીની વાવ, પાટણના પટોળા, પાટણનુ મશરું કાપડ અને માટીના રમકડા, પેપર આર્ટ વિશે આપણે જાણી છીએ. પણ મીઠાઈમાં પણ પાટણ આગવું સ્થાન ધરાવે છે. પાટણના દેવડા વગર તમામ તહેવારો અધૂરા લાગે. આ મીઠાઈનું મૂળ પાટણમાં છે.
દેવડાની વિશેષતા: દિવાળીનો તહેવારો હોય કે બહાર ફરવા જવાનું હોય, ત્યારે અન્ય માવાની મીઠાઈની ખરીદી પહેલા દેવડાની માંગ પ્રથમ હરોળમાં રહે છે. શહેરમાં દેવડા મીઠાઈની માંગને પહોંચી વળવા સ્વીટની દુકાનોમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દેવડાની શુ છે ખાસ વિશેષતા તે જોઈએ.
દેવડા મીઠાઈની શોધ: ૧૮૬૦ થી એટલે કે ૧૬૨ વર્ષ પહેલાં પાટણના સુખડીયા પરિવારે આ મીઠાઈની શોધ કરી ધીરે ધીરે અન્ય મીઠાઈ કરતા દેવડા વધુ સમય સાચવી શકાય અને પૌષ્ટિક પણ હોવાથી તેનું ચલણ વધી રહ્યું છે, આજે પાટણ વાસીઓએ માત્ર ગુજરાત નહી પણ પરદેશના સ્વાદ રસિકોને પણ દેવડાનું ઘેલું લગાડયું છે
આરોગ્યપ્રદ દેવડા: આ મીઠાઈ દરેક ઉંમરના લોકોની પસંદ બની છે પોચા હોવાથી મોટી ઉંમરના લોકો પણ તેનો સ્વાદ માણવા આતુર રહે છે અને તેમાં ચોકલેટ, બટર સ્કોચ, કેસર જેવી ફ્લેવર્સ તેને બાળકો અને મહિલાઓમાં પ્રિય બન્યા છે. વળી અન્ય મીઠાઈ કરતા તેના ભાવ સસ્તા હોવાથી દરેકના ખિસ્સાને પણ દેવડા પરવડે છે અને આરોગ્યપ્રદ પણ હોવાથી લોકોની પ્રથમ પસંદ બને છે.
આજે મુંબઇ, સુરત, કલકતા અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ આરબ દેશોમાં પણ લોકોની પ્રથમ પસંદ છે. જેમ સુરતની ઘારી, આગ્રાના પેઠા, થાનના પેંડા, ભાવનગરના ગાંઠિયા તેમજ પાટણના દેવડા પણ જગવિખ્યાત બન્યા છે.