સુરત: બેઠકમાં મંત્રીએ ચોમાસાની ઋતુ દરમિયાન ખાડીપુરની સ્થિતિનું લાંબાગાળા માટે કાયમી નિરાકરણ થાય તે માટે સૌને સાથે મળીને આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ખાડીના પાણીને ડાયવર્ટ કરી શકાય કે કેમ તે અંગે સિંચાઈ વિભાગ સાથે મળીને સર્વે કરવા જણાવ્યું હતું. અસરગ્રસ્તોનો તત્કાલ સર્વે કરીને કેશડોલ્સ, માનવ મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી, સાફ સફાઈ સહિતની કામગીરી તત્કાલ થાય તે દિશામાં કામ કરવાની સુચના મંત્રીશ્રીએ આપી હતી.
સુરત મનપા તંત્રના અધિકારીઓએ ભારે વરસાદને કારણે શહેરમાં આવેલી ખાડીઓમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી સમગ્ર કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. અત્યાર સુધીમાં છ ઝોનના 18 વિસ્તારોમાંથી 1022 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી ફાયર વિભાગ દ્વારા 472 વ્યકિતઓને બોટ મારફતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
રેસ્કયુ સેન્ટર તથા પાણીગ્રસ્ત વિસ્તારોમાં ચાર દિવસ દરમિયાન 58 હજાર ફુડ પેકેટ વિતરણ સહિતની કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં જયાં પાણી ઓસરી રહ્યા છે, ત્યાં તત્કાલ 206 સુપરવાઈઝરો અને 3726 સફાઈ કર્મીઓની ટીમ બનાવી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસમાં 570 મેટ્રીક ટન ઘન કચરાનો નિકાલ કરાયો છે, તથા 21970 કિ.ગ્રા. લાઇમડસ્ટ અને 4700 કિ.ગ્રા. મેલેથિઓનનો છંટકાવ કરવામાં આવ્યો હોવાની વિગતો આપી હતી.
મચ્છરજન્ય, વાહકજન્ય રોગ નિયંત્રણ માટે શહેરમાં વીબીડીસી વિભાગના 594 સર્વેલન્સ વર્કર મારફતે 2,71,652 ઘરોમાં 9,50,432 વ્યક્તિઓનો સર્વે કરી ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરીની વિગતો તંત્રએ આપી હતી.
ભારે વરસાદના કારણે શહેરમાં 172 વૃક્ષો ધરાશાયી થતા નિકાલ માટે 30 ટીમો બનાવી રાઉન્ડ ધ કલોક કામગીરી હાથ ધરીને નિકાલ કરાયો હતો. કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી જ્યાં પણ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યાં બચાવ, રાહત સહિત તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મ્યુ.કમિશનરે આપી હતી.