રાજકોટઃ ગ્લોબલાઈઝેશન અને ટેલિકોમ્યુનિકેશનની વ્યવસ્થા આંતરાષ્ટ્રીય ગુનેહગારો પણ સરળતાથી વાપરતા થઈ ગયા હોવાથી ભારતમાં આ દિશામાં સંલગ્ન ક્રાઈમ પેટર્નની બહાર આવી છે. ભારતનું વહાણવટા મંત્રાલય અને સંલગ્ન એજન્સીઓ ચોંકી ઉઠી છે. એ સંદર્ભે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા સંલગ્ન શિપિંગ કંપનીઓ તેમજ મેરીટાઈમ અને શિપિંગ સંલગ્ન સંસ્થાનો અને આંતરાષ્ટ્રીય વહાણવટા સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા નાવિકો અને તેમનાં પરિવારો જોગ એક પત્ર લખ્યો છે અને ચેતવ્યા છે.
નાણાંની ગેરવ્યાજબી માંગણીઃ નૌવહન મહાનિદેશાલયને જાણવા મળ્યું છે કે ખોટી રીતે કસ્ટમ્સ, રાજ્યના પોલીસ વિભાગ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, ઈમિગ્રેશન અધિકારીઓ, જે તે લાગતા વળગતા મંત્રાલયનાં અધિકારી તરીકે પોતાની જાતની ઓળખ આપીને આંતરાષ્ટ્રીય નૌવહન સાથે જોડાયેલા નાવિક પરિવારોના સભ્યો પાસેથી નાણાકીય રકમ વસુલવામાં આવી રહી છે. એવા ઘણા ઘણા કિસ્સાઓ સમયે આવ્યા છે જેમાં આંતરાષ્ટ્રીય વહાણવટા સાથે જોડાયેલા નાવિક પરિવારોના સભ્યોનો ફોન, ઈમેઈલ, વ્હોટ્સએપ થકી સંપર્ક કરીને તેમને જણાવવામાં આવ્યું છે કે તેમનાં પરિવારનાં આંતરાષ્ટ્રીય વહાણવટા સાથે જોડાયેલા નાવિક સભ્ય ગુનાહિત કૃત્ય જેવા કે ડ્રગ્સની તસ્કરી, બળાત્કાર, ખૂન, ચોરી વગેરે જેવા ગુનાહમાં સંડોવાયેલા હોય, તેમની કાનૂની મદદ કે તેમને આંતરાષ્ટ્રીય કેદમાંથી છોડાવવા માટે નાણાંની ગેરવ્યાજબી માંગણી કરવામાં આવી છે.
આ માંગણીઓને પ્રોત્સાહન ન આપવા અપીલઃ મોટા ભાગનાં કિસ્સાઓમાં આ વાત તદ્દન ખોટી ઠરી છે અને આ રીતે આંતરાષ્ટ્રીય નાવિકનાં પરિવારોને નાણાકીય રીતે છેતરવામાં આવ્યા છે. આવા કોઈ સંદેશાઓ અથવા ટેલિફોન કોલ્સને આ નાવિક પરિવારોએ યોગ્ય સંસ્થાઓ સાથે ચકાસણી હેતુથી મોકલવા તેમજ આવી માંગણીઓને કોઈ પ્રકારે પ્રોત્સાહન ન આપવા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે. આવી બાબતો મુદ્દે જે તે શિપિંગ કંપની અથવા જે શિપિંગ કંપનીમાં જે રિક્રુટમેન્ટ સંસ્થા દ્વારા આ નાવિકોને નોકરીએ રાખવામાં આવ્યા હોય તેમનો સંપર્ક કરવો અને કાયદો તેમજ વ્યવસ્થા જાળવતી સરકારી સંસ્થાઓનો સીધો સંપર્ક સાધવો, જેથી કરીને આ સંસ્થાઓ પણ આવા કોઈ લે-ભાગું તત્વો સામે યોગ્ય જાહેરનામા બહાર પાડીને આમ જનતા કે પ્રજા ન છેતરાય તે સંદર્ભે કાર્યવાહી હાથ ધરી શકે.વધુમાં આ દિશામાં કોઈ એવી બાબત સામે આવે તો ડાયરેક્ટર જનરલની કચેરીએ પત્રમાં દર્શાવેલા ટેલિફોન નંબર તેમજ ઈમેઈલ આઈડી પર સંપર્ક કરીને આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પણ આ પત્રમાં અપીલ કરવામાં આવી છે.
અગાઉ RBIએ કરી છે અપીલઃ ભૂતકાળમાં નાઈજીરીયાથી આવતા નાણાકીય છેતરામણીવાળા ઈ-મેઈલ સંદર્ભે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અનેકો-અનેક ચેતવણીઓ જાહેર કરીને પ્રજાને ન છેતરાવવા માટે અપીલ કરી હતી. હવે ચોક્કસ પ્રકારે ચોક્કસ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જેનું પગાર ધોરણ ખૂબ ઊંચું હોય છે તેવા વ્યાવસાયિકોનાં વર્ગને છેતરવાનો આ નવો કારસો સામે આવતા, ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે આ દિશામાં વ્યવસ્થિત કાર્યવાહી હાથ ધરીને આંતરાષ્ટ્રીય નાવિકો તેમજ સંલગ્ન સંસ્થાઓ અને આંરાષ્ટ્રીય નાવિકોનાં પરિવારોને ચેતવણીરૂપે આ પત્ર પાઠવીને સ્પષ્ટ કરી દીધું છે કે આ એક નવા પ્રકારની લૂંટની મોડેસ ઓપરેન્ડી કાર્યરત કરવામાં આવી છે જેનાથી ચેતતા રહેવું.