બનાસકાંઠાઃ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળે તે માટે સરકાર દ્વારા આધાર કાર્ડ KYC પ્રક્રિયા જનસેવા કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવી છે. જોકે KYC પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં તો પહોંચી રહ્યા છે,પરંતુ તેમને KYC પ્રક્રિયા પૂરી કરવામાં હેરાન થવું પડતું હોવાનું સામે આવ્યું છે જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં પહોંચેલા વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસથી આધાર કાર્ડ KYCની પ્રક્રિયા માટે તેઓ હેરાન થઈ રહ્યા છે, જો કે વારંવાર આ કચેરીના ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓ શાળામાં ના જઈ શકતા તેમનું શિક્ષણ પણ બગડી રહ્યું છે.
વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની KYC માટે મુશ્કેલીઓ પડી રહી છે. જનસેવા કેન્દ્ર દ્વારા KYC માટે ટોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે. જે લેવા માટે કલાકોનો સમય લાગી રહ્યો છે અને કલાકો સુધી લાઈનમાં જ ઊભું રહેવું પડે છે. જેથી આખા દિવસનો સમય વીતી જાય છે અને આ જ રીતે છેલ્લા ચાર દિવસથી તેઓ જનસેવા કેન્દ્રના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે.
જોકે આ મામલે મામલતદારે કહ્યું કે શિષ્યવૃતિ મેળવવા માટે લોકો જનસેવા કેન્દ્રમાં છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જોકે આધાર કાર્ડ એ KYC માટે છેલ્લા બે દિવસથી વધેલી ભીડના કારણે મુશ્કેલી ઊભી થઈ છે હાલમાં બે કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે તેમજ જરૂરી સૂચનાઓ જનસેવા કેન્દ્રમાં આપવામાં આવી છે મુશ્કેલીઓ ઓછી થાય અને આધાર કાર્ડ KYCની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે અમે વ્યવસ્થા ઊભી કરીશું સાથે જ આધાર કાર્ડ અપડેટ માટે અન્ય બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં પણ કેન્દ્ર ઊભું કરાયું છે તેમાં પણ લોકો લાભ લે જેથી આ ભીડ ઓછી થઈ શકે છે.