રાજકોટ: ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામના વતની એવા રૂદ્ર પેથાણીએ તાજેતરમાં તારીખ 08 થી 17 ઓગસ્ટ સુધી બેઇજિંગ અને ચીન ખાતે યોજાયેલ 17 મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને કુલ 03 ગોલ્ડ, 02 સિલ્વર, 03 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જેમાંથી રૂદ્રને ત્રણેય કેટેગરીમાં મેડલ મળ્યા છે. જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. ત્યારે આ રૂદ્ર પેથાણી ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવનાર આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર વિજેતા પણ બન્યો છે.
ગુજરાતનું ગૌરવ વધાર્યું: વર્ષ 2024 ની 17 મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી માત્ર ચાર જ વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું. જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના રૂદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રૂદ્રને “થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ, ઈન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન” એમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે અને તેમણે પોતાના પરિવાર, ગામ, તાલુકા, જીલ્લા, ગુજરાત અને દેશનું ગૌરવ બીજી વખત વધાર્યું છે.
32 ટીમો અંતિમ તબક્કામાં પહોંચી: ભારતે વર્ષ 2007 થી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO) માં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત 10 મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ વર્ષે 17 મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા 35 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી 32 ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. આ સ્પર્ધાઓ ત્રણ કેટેગરીમાં હતી જેમાં થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન હતું.
IESOની સ્થાપના 2003માં થઈ: ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચઆઉટ (સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ) યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી-કેન્દ્રિત કાર્યક્રમ છે. ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO) ની સ્થાપના વર્ષ 2003માં કેલગરી, કેનેડામાં ઈન્ટરનેશનલ જીઓસાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે. જેનો ઉદ્દેશ ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાનપ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે.
ચીનમાં સ્પર્ધા યોજાઈ: ભારતનું ગૌરવ વધારનાર રૂદ્ર પેથાણીએ જણાવ્યું છે કે, 17 મી આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલમ્પિયાડમાં જે બેઈજિંગ ચાઇનામાં લેવાય હતી. તેમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે. જેમાં આ ગોલ્ડ મેડલની સાથે-સાથે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે. ત્યારે આખા ભારતમાંથી હું એક માત્ર છાત્ર છું જેને ત્રણ અલગ-અલગ મેડલ મળ્યા છે. આ સ્પર્ધા ચીનમાં દસ દિવસ માટે યોજાઈ હતી. જેમાં 36 અલગ અલગ દેશોના 135 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાની અંદર અમેરિકા રશિયા જેવા વિવિધ દેશોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આ તમામ શાસ્ત્રોની વચ્ચે અને તેમની સામે કૌશલ્ય રજૂ કરવાનું હતું. આ સ્પર્ધામાં ત્રણ અલગ-અલગ વિભાગોની અંદર સ્પર્ધાઓ હતી જેમાં બે પ્રેઝન્ટેશન હતા અને એક થિયરીકલ એક્ઝામ હતી ઉપરાંત તેમની સાથે પ્રેક્ટીકલ પણ હતા જેમાં આ તમામ સ્પર્ધાઓમાંથી સારા પર્ફોર્મન્સ અને સારી મહેનતના પરિણામ સ્વરૂપે મેડલ પ્રાપ્ત થયા છે.
આ પ્રેઝન્ટેશનની અંદર આખા વિશ્વના જે કોઈ ટોપ સાયન્ટિસ્ટ હોય અને પ્રોફેસર હોય તેમની સામે ભાગ લેનાર સ્પર્ધકે પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. જે બાદ ઇન્ટરવ્યૂ હોય તેમાં પ્રશ્નોત્તરી પણ થતી હોય છે જેમાં જવાબો આપવાના હોય છે. આ સ્પર્ધામાં લેવાયેલ સ્પર્ધાઓમાં સારા પરફોર્મન્સ બદલ આ સિદ્ધિ હાસલ થઈ છે. તેઓ વિજેતા થયેલ રૂદ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સ્પર્ધાની શરુઆત જાન્યુઆરી 2024થી થઈ: ચાઇના ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં સમગ્ર ભારત ભરમાંથી માત્ર ચાર જેટલા વિદ્યાર્થીઓ હતા. જે છાત્રોને સિલેક્ટ કરવા માટે પણ ખૂબ જ કઠિન અને લાંબી પ્રક્રિયાઓ અને પરીક્ષાઓ આપવામાં આવી હતી. જેમની શરૂઆત જાન્યુઆરી 2024 થી થઈ હતી ત્યારે આ સ્પર્ધા માટે પસંદગી દરમિયાન કુલ અંદાજિત 14000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી પામી હતી. આ 25 વિદ્યાર્થીઓની મેઘાલય ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર વિવિધ પ્રકારની પરીક્ષાઓ યોજવામાં આવી હતી ત્યારે આ પરિણામ જાહેર થયા હતા.
વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો: ભારતમાંથી કુલ ચાર જેટલા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સ્પર્ધા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ચાર વિદ્યાર્થીઓ પૈકીમાં સમગ્ર ગુજરાતમાંથી એક રૂદ્ર પેથાણીની જ પસંદગી થઈ હતી અને પસંદગી થયા બાદ પણ સુંદર પરિણામ મેળવવા માટે ખૂબ અને સારી મહેનત અને પરિણામ મેળવવા માટે મહેનત કરી હતી જેનું પરિણામ મળ્યું છે અને રૂદ્ર પેથાણીએ એક સાથે ત્રણ જેટલા મેડલ પણ મેળવ્યા છે અને દેશનું નામ રોશન કરી વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે.
પરિવારમાં આનંદની લાગણી વ્યાપી: રૂદ્ર પેથાણીના પિતા અને મેડિકલ ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર અને તબીબ તરીકે કાર્યરત એવા ડો. કૌશિક પેથાણીએ જણાવ્યું હતું કે, મારા પુત્રએ આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સમાં જે ત્રણ મેડલ મેળવ્યા છે. તેમાં આ પરિણામ બદલ અમોને ખૂબ ખુશી અને આનંદ અનુભવી રહ્યા છીએ. કારણ કે, અમારા પુત્રએ ગત વર્ષે પણ સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કરેલું હતું. ત્યારે ફરી એક વખત મેડલ મેળવતા અમે પણ ગર્વ અનુભવીએ છીએ અને એવી પણ આશાઓને અપેક્ષાઓ રાખીએ છીએ કે અર્થને સારી રીતે બનાવવા માટે જે કોઈપણ પ્રોગ્રામો કે કાર્યક્રમો થઈ શકે અને તે મહેનત કરી શકે તે માટે અમે પણ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ.
ત્રણ મેડલ વિજેતા: રૂદ્ર પેથાણીના માતા અને ફિજિયોથેરાપી તબીબ તરીકે કાર્યરથ એવા ડો. હિના પેથાણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલ સ્પર્ધામાં સુંદર અને અદભુત પ્રદર્શન બદલ એક સાથે ત્રણ જેટલા મેડલ મારા પુત્રને મળ્યા છે. જે મારા પરિવાર અને ખાસ કરીને માતા માટે એક ખૂબ જ ખુશી અને આનંદની વાત છે. કારણ કે તેમને ચાઇના ખાતે યોજાયેલ 17મી આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ, સિલ્વર ઉપરાંત બ્રોન્સ એમ કુલ ત્રણ જેટલા મેડલો મેળવી પરિવાર, ગામ, જિલ્લા અને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે આ બીજી વખત તેને આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી છે.
ભવિષ્યમાં ઉત્તમ પરિણામ મેળવે તેવી અપેક્ષા: વધુમાં માતાએ જણાવ્યું છે કે, ગત વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલ સ્પર્ધામાં પણ તેમને ગુજરાતમાંથી એકમાત્ર વિદ્યાર્થી તરીકે પસંદગી પામી અને ગોલ્ડ મેડલ જીતેલું હતું. જે બાદ ફરી એક વખત ગોલ્ડની સાથે સાથે બ્રોન્સ અને સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરી અને સમગ્ર ભારતમાંથી એકમાત્ર એવો વિદ્યાર્થી સાબિત થયો છે. જેને સમગ્ર ભારતનો ડંકો વિદેશમાં વગાડ્યો છે. ત્યારે પરિણામ આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી જે ખુશી અને આનંદનો માહોલ જોવા મળે છે. તે આજે પણ અમે અનુભવીએ છીએ અને ભવિષ્યમાં તેઓ સુંદર અને સારા કાર્યો કરી ઉત્તમ પરિણામ મેળવે તેવી પણ આશાઓને અપેક્ષાઓ અમે રાખીએ છીએ અને તેમના માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે પણ અમે માતા-પિતા અને સમગ્ર પરિવાર કાયમી તૈયાર પણ છીએ.
વિશ્વભરમાં ભવ્ય સિદ્ધિ હાંસલ કરી: રૂદ્ર પેથાણીએ જે પરિણામ મેળવ્યું છે અને વિદેશમાં પણ ભારતનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ તકે ગામના સરપંચ પ્રવિણ પેથાણીએ રૂદ્રને અભિનંદન પાઠવતાં કહ્યું કે, આ ક્ષણ પેથાણી પરીવાર અને સમગ્ર ભારત માટે ગર્વાન્વિત બનાવનાર છે. રૂદ્રે પોતાના પિતા ડૉ. કૌશિક પેથાણી અને માતા ડૉ. હીના પેથાણીનું ગૌરવ વધાર્યું છે. સાથે જ, પાટણવાવ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે.
કહેવાય છે ને કે “મોરના ઈંડા ચીતરવા નથી પડતા” ત્યારે આવી જ વાતને રૂદ્ર પેથાણીએ સાબિત કરી છે કારણ કે, રૂદ્ર પેથાણીના પરિવારની વાત કરવામાં આવે તો રૂદ્ર પેથાણીના પરિવારમાં તેમના પિતા અને માતા બન્ને તબીબ છે અને સાથે જ તેમના ઘર પરિવારની અંદર દાદા-દાદી પણ રહે છે જેવોની વાત કરવામાં આવે તો તેમના દાદા પણ શિક્ષક અને આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા જેવો હાલ નિવૃત્ત છે.
ગોલ્ડન સિતારો: આ રૂદ્ર પેથાણીના પિતાની વાત કરવામાં આવે તો પિતા હાલ તબીબ છે જેઓએ પણ પોતાના તબીબી ક્ષેત્રની અંદર અગાઉ પણ પોતાના સારી મહેનત અને સારા પરિણામને કારણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકેલા છે. જ્યારે રૂદ્ર પેથાણીના માતાની વાત કરવામાં આવે તો તેમની માતા પણ તબીબ છે ત્યારે આ પેથાણી પરિવારમાંથી આવતા રૂદ્ર પેથાણીએ સિદ્ધિ હાંસલ કરનાર પરિવારના સીતારાઓમાં ઉમેરો કરીને વધુ બીજી વખત ગોલ્ડન સિતારો લગાવી દીધો છે. કારણ કે આ રૂદ્ર પેથાણીએ ગત વર્ષે પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અગાઉના વર્ષે પણ ગોલ્ડ મેડલ જીત્યું હતું ત્યારે પણ સમગ્ર ભારતનું નામ તેમને વિશ્વની અંદર રોશન કર્યું હતું અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો જે બાદ આજે ફરીવાર ભારત માટે તેમણે ગૌરવ વધાર્યું છે.